કાર્તિક સુદ અગિયારસ એટલે દેવ ઉઠી અગિયારસ (દેવ દિવાળી)ની રાત્રીના 1રના ટકોરે પરંપરાગત ગિરનારની લીલી પાવનકારી 36 કિ.મી. પરિક્રમા આ વર્ષે કોરોના મહામારીના કારણે મોકુફ રાખવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ આજે તો ગિરનારના જંગલમાં પ્રકૃતિના ખોળે લીલી વનરાઇઓ ખળખળ વહેતા ઝરણા વચ્ચે પાંચ દિવસ જંગલમાં મંગલ કરી સંસારની આધી વ્યાધિ ઉપાધી છોડી શીવ અને જીવના મીલનકારી આ પરિક્રમા આવતા હોય છે પરંતુ સરકાર અને તંત્રએ પરિક્રમા પર રોક લગાવી દેતા જંગલ અને ભવનાથ ખાલીખમ પડયું છે. માત્ર ફોરેસ્ટ (જંગલ)નો સ્ટાફ અને પોલીસ કર્મીઓએ ભવનાથથી લઇ તમામ નાકાઓ પર કડક બંદોબસ્ત ગોઠવી દઇ એક એક પોઇન્ટ પર પોલસી બાજ નજર રાખી રહી છે જેમાં ભવનાથ પ્રવેશદ્વાર, સ્મશાન ત્રણ રસ્તા, ભવનાથ રોડ, ભરડાવાવ, દામોદરજી કુંડ, ગીરનાર સીડી પાસે જંગલમાં પ્રવેશના પોઇન્ટ જાંબુડી નાકા બોરદેવી સહિતના રસ્તે રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
પાંચ દિવસ કોઇ વાહનોને પ્રવેશ આ રૂટમાં જવા દેવામાં આવતા નથી. પગપાળા જતા લોકોને પણ અટકાવવામાં આવે છે ગેઇટ પણ બંધ કરી દેવાયો છે. માત્ર 1રના ટકોરે ભવનાથ પ્રવેશ દ્વારા ખાતે સાધુ સંતોના હસ્તે પૂજન વિધિ કરી પરિક્રમાની પરંપરા જાળવી હતી. રપ જેટલા લોકોએ પરિક્રમાની શરૂઆત કરી પરંપરા જાળવી હતી. જેમાં ઉતારા મંડળ દ્વારા આ પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. સાધુ સંતો અધિકારીઓએ પરિક્રમાર્થીઓને વિદાય આપી હતી.