મુંબઈ, તા.27
આજથી ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં શરૂ થયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે શ્રેણી પૈકીના સિડની વન-ડેમાં ભારતીય બોલરોની ઓસ્ટ્રેલિયન બેટસમેનોએ રીતસરની ખબર લઈ નાખતાં 50 ઓવરમાં 374 રન ખડકી દીધા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પણ સારી શરૂઆત આપી હતી પરંતુ જોશ હેઝલવુડની વેધક બોલિંગ સામે ઝીક ન જીલી શકતાં 93 રનના સ્કોરે જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત વતી વિરાટ કોહલી 21 રન, મયંક 22 અને અય્યર 2 રન બનાવી આઉટ થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા વતી એરોન ફિન્ચ અને સ્ટિવન સ્મિથે શાનદાર સદી ફટકારી ટીમને મજબૂત લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 374 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા વતી ડેવિડ વોર્નરે 69, એરોન ફિન્ચે 124 બોલમાં 9 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 114, સ્ટિવન સ્મિથે 66 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 105, ગ્લેન મેક્સવેલે 19 બોલમાં 3 છગ્ગા, 5 ચોગ્ગાની મદદથી 45 અને એલેક્સ કેરીએ 13 બોલમાં અણનમ 17 રન ફટકાર્યા હતા. ભારત વતી બોલિંગમાં મોહમ્મદ શામીએ ત્રણ, બુમરાહ-સૈની-ચહલને એક-એક વિકેટ મળી હતી. જો કે બુમરાહ સહિતના તમામ બોલરો અત્યંત ખર્ચાળ સાબિત થતાં ઓસ્ટ્રેલિયાને રનોનું રમખાણ સર્જતાં અટકાવી શકાયું નહોતું.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 375 રનના લક્ષ્યાંક સામે ભારતે પ્રથમ ઓવરમાં જ 20 રન બનાવી લીધા હતા. આ પછીની ઓવરોમાં પણ રનચક્ર યથાવત રહેતાં 4.1 ઓવરમાં ભારતે સ્કોરબોર્ડ ઉપર 50 રન નોંધાવી દીધા હતા. જો કે આ વેળાએ બોલિંગમાં આવેલા જોશ હેઝલવુડે સૌથી પહેલાં મયંક અગ્રવાલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારપછી વિરાટ કોહલી અને અય્યરને પણ આઉટ કરી નાખતાં ભારતે 11 ઓવરમાં 93 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ટીમ ઈન્ડિયાએ 12.2 ઓવરમાં 3 વિકેટે 98 રન બનાવ્યા છે અને ક્રિઝ ઉપર કે.એલ.રાહુલ 10 અને શિખર ધવન 31 રન બનાવી રમતમાં છે.