ગાંધીનગર તા.27
કેન્દ્રના ન્યૂ એન્ડ રિન્યએબલ એનર્જી મંત્રાલય, નવી દિલ્હી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત ત્રીજી ગ્લોબલ રી-ઇન્વેસ્ટ મીટ એન્ડ એક્સ્પોના ચીફ મિનીસ્ટર પ્લેનરી સેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત વિવિધ પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. આ ત્રીજી ગ્લોબલ રી-ઇન્વેસ્ટ મીટ એન્ડ એક્સ્પોનું ગઈકાલે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉદ્દઘાટન કર્યું હતું. ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓ તેમજ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર, કેન્દ્રિય પાવર મંત્રી આર. કે. સિંઘ, ગુજરાતના ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, જીયુએમએનએલના ચેરમેન શાહમીના હુસૈન, ડી.જી.ચંદ્રજીત બેનર્જી, અધિકારીઓ સહિત સમગ્ર વિશ્વમાંથી અંદાજે 25,000 ડેલીગેટ્સ, ઊર્જા રોકાણકારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પ્લેનરી સેશનમાં જોડાયા હતા.