અમદાવાદ તા.27
કેન્દ્ર સરકારે ખાદ્યતેલનાં વિક્રમી ઉંચા ભાવને રોકવા માટે આખરે ક્રુડ પામતેલની આયાત ડયુટીમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. વિવિધ તેલીબીયાં સંગઠનોએ ડયુટી ન ઘટે એ માટે વારંવાર રજુઆત કરી હતી. પરંતુ ભાવ વિક્રમી સપાટીએ અને ઝડપથી વધ્યાં હોવાથી સરકારે ગ્રાહકોનાં હીતમાં ડયુટી ઘટાડાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય વાણિજય મંત્રાલયે ક્રુડ પામતેલની આયાત ડયુટી અગાઉ 37.50 ટકા હતી, જે ઘટાડીને 27.50 ટકા કરી છે. 10 ટકા ડયુટી ઘટાડીને પગલે સરેરાશ આયાત ડયુટીમાં 10 કિલોએ રૂા.70નો ઘટાડો થયો છે. આ સરકાર ડયુટી પ્રતિ ટન રૂા. 26274 હતી, જે હવે ઘટીને રૂા.19278 થઈ છે. આમ તેમાં ટને રૂા.6996 એટલે કે 10 કિલોએ રૂા.70નો ઘટાડો થયો છે.
ક્રુડ પામતેલની આયાત ડયુટીમાં ઘટાડો થવાને પગલે વાયદામાં ચાર ટકાની મંદીની સર્કીટ લાગી હતી. એમસીએકસ સીપીનો વાયદો રૂા.32.60 ઘટીને રૂા.866.60ની સપાટી પર બંધ રહ્યાં હતાં. મલેશિયન પામતેલ વાયદો આજે ડયુટી ઘટાડા પહેલા જ 46 રિગિંટ ઘટીને 3239 રિગિંટ પર બંધ રહ્યો હતો. ક્રુડ પામતેલનાં ભાવ ઘટાડાને પગલે કપાસીયા વોશની ભાવ ઝડપથી રૂા.25 ઘટીને રૂા.975ની સપાટી પર પહોંચ્યા હતાં.
બજાર સૂત્રોનાં કહેવા પ્રમાણે ડયુટીમાં 10 ટકાનો ઘટાડો થયો હોવાથી સરેરાશ હાજર બજારમાં પણ ભાવ આટલા ઘટવા જોઈએ. કપાસીયા વોશ હવે ગમે ત્યારે ઘટીને રૂા.950ની સપાટીએ પહોંચી જાય તેવી પણ સંભાવના નકારી શકાય તેમ નથી. ઓકટોબર મહિનામાં દેશમાં ક્રુડ પામતેલની કુલ 7.53 લાખ ટનની આયાત થઈ હતી. જેમાં હવે ડિસેમ્બરથી વધારો થાય તેવી સંભાવના છે.
દેશ અને વિશ્ર્વમાં પામતેલનાં ભાવમાં છેલ્લા એક વર્ષમાં 55થી 60 ટકાનો વધારો થયો હતો. ખાસ કરીને મલેશિયામાં પામતેલનાં ઉત્પાદનમાં વધારો અને કોરોના સંકટ પછી ચીનની ખાદ્તેલમાં આયાત વધી હતી. બીજી તરફ સોયાબીનનાં સૌથી મોટા ઉત્પાદક દેશ એવા આર્જેન્ટીના અને બ્રાઝીલમાં દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ત્યાં ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી સોયાબીનનાં ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા હતાં, જેને અસરે ઘરઆંગણે પણ ખાદ્યતેલનાં ભાવ ઓલટાઈમ સપાટીએ પહોંચ્યાં હતા.
કેન્દ્ર સરકાર દ્વારા ક્રુડ પામતેલની આયાત ડયુટીમાં જ ઘટાડો થવાને પગલે બાકીના તેલને બહુ મોટી અસર થાય તેવી સંભાવના ઓછી છે. પરંતુ સરેરાશ હવે ઘરઆંગણે ખાદ્યતેલ બજારમાં તેજી પુરી ગણવી અને નીચા ભાવ જોવા મળશે. ક્રુડ પામતેલ તુટતા કપાસીયા તેલ અને સોયાતેલની બજારમાં પણ ભાવ ઘટશે અને તેની મોટી અસર સીંગતેલની બજારને પણ જોવા મળશે.