વડોદરા, તા. 26
સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાંથી બોગસ ડિગ્રી-માર્કશીટનું કૌભાંડ ઝડપાયુ છે. પોલીસે નકલી માર્કશીટ બનાવનાર ત્રણ શખ્સોને દબોચી લીધા છે. દરોડા દરમ્યાન પોલીસે ધો.10 અને 12ની બોગસ માર્કશીટ અલગ અલગ યુનિવર્સિટીઓની ડિગ્રી મળી કુલ 12 ડોકયુમેન્ટ કબ્જે કર્યા છે.
વડોદરા પીસીબી બ્રાન્ચના સ્ટાફે ફતેગંજ ખાતેના બ્લુ ડાયમંડ કોમ્પલેક્ષ અને ભરૂચના જય કોમ્પલેક્ષમાં આવેલી દુકાનોમાં બાતમીના આધારે દરોડો પાડયો હતો. સ્થળ પરથી પોલીસે કમ્પ્યુટર સહિત 500 જેટલા બોગસ સર્ટીફીકેટ કબ્જે લીધા હતા. ઝડપાયેલા આરોપીમાંથી દિલીપ મોહિતે નામના શખ્સની પોલીસે આકરી પુછપરછ કરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ દેશ અને રાજ્યની કોઇપણ યુનિવર્સિટીની બોગસ ડિગ્રી બનાવી આપતા હતા. તેમજ ધો.10 અને 12ની માર્કશીટ પણ જોઇએ તેને બનાવી આપતા હતા. કૌભાંડમાં અન્ય કોણ કોણ વ્યકિત સંડોવાયેલા છે? કેટલા લોકોને બોગસ ડિગ્રી બનાવી આપવામાં આવી છે અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલતુ હતું તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.