સોમવારે કારતકી પુનમ : જૈન સાધુ-સાધ્વીજીઓના ચાતુર્માસ સંપન્ન : હાલના સંજોગોમાં અન્યત્ર વિહાર નહિ કરી શકાય

26 November 2020 03:43 PM
Rajkot Dharmik
  • સોમવારે કારતકી પુનમ : જૈન સાધુ-સાધ્વીજીઓના ચાતુર્માસ સંપન્ન : હાલના સંજોગોમાં અન્યત્ર વિહાર નહિ કરી શકાય

કારતક પુનમના આ.હેમચંદ્રસૂરીજી તથા શ્રીમદ્ રાજચંદ્રજીની જયંતિ, શીખ, સિંધી સમાજ દ્વારા સાદાઇથી ઉજવશે ગુરૂનાનક જયંતી

રાજકોટ, તા. ર6
તા.30ના સોમવારે કારતક સુદ પુનમ છે જૈનોના સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પૂર્ણ થતાં ઠાણા-ઉઠાણા કરશે. હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિના કારણે પૂ. સાધુ-સાધ્વીજીઓ ઔપચારિક રીતે ઠાણા-ઉઠાણા કરશે. કારતક સુદ પુનમ બાદ આઠ મહિના સુધી પૂ. સાધુ-સાધ્વીજીઓ ગામેગામ વિહાર કરીને શાસન પ્રભાવના કરતાં હોય છે અને તીર્થની યાત્રા કરે છે. હાલના સંજોગો અનુસાર પૂ. સાધુ-સાધ્વીજીઓ જ્યાં બિરાજમાન છે. ત્યાં જ સ્થિરતા કરશે.
કારતક સુદ પુનમથી શ્રી સિદ્ધગીરી (પાલીતાણા)ની યાત્રાનો પ્રારંભ થશે. સામાન્ય સંજોગોમાં કારતક સુદ પુનમના દેશ- વિદેશથી હજારો યાત્રીકો ઉમટી પડે છે અને જય આદિનાથના ગગનચુંબી સુરો સાથે સિદ્ધગીરીની યાત્રા કરે છે અને પુણ્યનું ભાથુ બાંધે છે. આ દિવસે દ્રાવિડ-વારિખિલ્લજી દસ ક્રોડ મુનિઓ મોક્ષે ગયા છે. હાલના સંજોગો અનુસાર સિદ્ધગિરિની યાત્રા થઇ શકશે નહિ. ઘરમાં બેસીને શ્રી શત્રુંજય તીર્થની ભાવયાત્રા કરવી વધારે ઉચિત રહેશે.


શ્રી હેમચંદ્રાચાર્યસૂરીજી
કારતક સુદ પુનમના મહાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરીજી મ.ની જન્મજયંતિ છે. ‘સિધ્ધહેમ’ની રચના શાસન માટે આજે પણ પ્રેરણાસમુ છે. મહારાજા કુમારપાળને પ્રતિબોધિને રાજયમાં જિન શાસનનો ધ્વજ લહેરાવ્યો 18 દેશોમાં સંપૂર્ણ હિંસા બંધ કરાવી હતી.


શ્રીમદ્ રાજચંદ્ર જયંતી
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનો કારતક સુદ પુનમના જન્મદિન છે. 1ર વર્ષે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર દ્વારા ત્રિદિવસીય મહોત્સવ ઉજવાય છે. પરંતુ હાલની પરિસ્થિતિના કારણે જાહેર કાર્યક્રમો યોજાશે નહી.


ગુરૂનાનક જયંતી
તા.30મીના કારતક સુદ પુનમના શીખ ધર્મના પરમ વંદનીય ગુરૂનાનક સાહેબની જયંતી છે. શીખ અને સિંધી સમાજમાં ગુરૂનાનક સાહેબની જન્મ જયંતી સાદાઇથી ઉજવાશે.


Related News

Loading...
Advertisement