જામનગર જિલ્લામાં કોરોના મેનેજ્ડ: મોતના આંકડામાં મોટી કાતર

26 November 2020 01:39 PM
Jamnagar Health
  • જામનગર જિલ્લામાં કોરોના મેનેજ્ડ: મોતના આંકડામાં મોટી કાતર
  • જામનગર જિલ્લામાં કોરોના મેનેજ્ડ: મોતના આંકડામાં મોટી કાતર

જામનગરની કોવિડ હોસ્પિટલમાં કુલ 900 થી વધુ મોત પૈકી 650 જેટલા જામનગર શહેરના, 125 થી વધુ જામનગર ગ્રામ્યના અને બાકીના મોત અન્ય જિલ્લામાંથી સારવાર માટે આવેલ દર્દીના: 125 સામે જિલ્લાના તંત્રે માત્ર 14 જ દર્દીના મોત કોરોનાથી થયાનું દેખાડી સરકારની ચાપલુસી કરી: માત્ર જામજોધપુર તાલુકામાં જ નોંધાયેલા કોરોનાના 389 કેસ પૈકી 25 દર્દીના મોત..!! જામજોધપુર તાલુકામાં 21 એક્ટિવ કેસ જ્યારે સમગ્ર છ તાલુકાના થઇને માત્ર 6 એક્ટિવ કેસ બતાવાયા

જામનગર તા.26
જામનગર શહેરમાં કોરોનાને લીધે માત્ર 21 અને જામનગર ગ્રામ્યમાં માત્ર 14 દર્દીના મૃત્યું થયાનું સરકારી તંત્ર જાહેર કરે છે. પરંતુ કોવિડ હોસ્પિટલમાં જામનગર જિલ્લાના 800 જેટલા કોરોના સંક્રમિત દર્દીના તેમજ 100 જેટલા અન્ય જિલ્લાના દર્દીના મૃત્યું થયા છે. માત્ર જામજોપુર તાલુકાના જ 25 દર્દીના મૃત્યું થયાનું ખુદ આરોગ્ય તંત્રના રેકર્ડમાં નોંધાયું છે. આમ તંત્ર લોકોની નજર સામે સત્યની આંખે પાટા બાંધવાની હીન પ્રવૃત્તિ કરતું હોવાનું સાબિત થાય છે.
જામનગરના દરેડ ગામે મજુર વસાહતમાં તા.5 એપ્રિલે કોરોનાનો સૌપ્રથમ કેસ આવ્યો હતો. 14 માસના પરપ્રાંતિય બાળકનો રિપોર્ટ જી.જી.હોસ્પિટલની લેબમાં પોઝીટીવ આવ્યા બાદ બે દિવસ પછી સારવાર દરમિયાન આ કમનસીબ બાળકનું મૃત્યું નિપજ્યું હતું. સમગ્ર શહેર-જિલ્લામાં કોરોનાનો આ સૌપ્રથમ કેસ હતો અને સૌ પ્રથમ મૃત્યું હતું. આ કેસ પછી લગભગ 25 દિવસ સુધી કોરોનાનો કેસ નોંધાયો ન હતો. આ બાળકની સાથે જ રહેતાં તેના માતા-પિતા-કાકા ઉપરાંત પાડશોમાં રહેનારા લોકોનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આથી બાળકના રિપોર્ટમાં કોઇ ભૂલ થઇ ગઇ હતી કે શું? તેવા પ્રશ્ર્ન ઉઠ્યા હતાં તેથી તંત્રે બાળકનો બીજો રિપોર્ટ અમદાવાદ સેમ્પલ મોકલી કરાવ્યો હતો તે પણ અપેક્ષા મુજબ પોઝીટીવ આવ્યો હતો. પરંતુ આ કેસને આજે સાડા સાત માસથી વધુ સમય વિતી ગયો છતાં ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવનાર પરિવારના બાળકને કોરોનાનું સંક્રમણ કેવી રીતે થયું? તેનો ખુલાસો આજ સુધી તંત્ર કરી શક્યું નથી. આ કિસ્સામાં પરિક્ષણ કરનાર કે રિપોર્ટ તૈયાર કરનાર કર્મચારીથી માનસહજ (બિનઇરાદાપ્રદ) ભૂલ થઇ ગઇ હોય તેવું બની શકે પરંતુ તે પછી જે રીતે કોરોનાના કેસ, સેમ્પલ, ટેસ્ટીંગ, સર્વેલન્સ, સારવાર, દર્દીના દાખલ અને ડિસ્ચાર્જની કામગીરી, કેસની સંખ્યા, મોતની સંખ્યા જાહેર થઇ રહી છે. તે નેચરલ છે કે મેનેજ્ડ તે કહેવું મુશ્કેલ છે. કેમકે સાડા સાત માસના ગાળામાં અનેક વખત એવો સમય આવ્યો છે કે તંત્રે જાહેર કરેલી માહિતી કરતા વાસ્તવિકતા જુદી હોય તેવો માહોલ શહેર-જિલ્લામાં જોવા મળ્યો હોય.
ખાસ કરીને કોરોના સંક્રમિત દર્દીના મોતના આંકડા જુલાઇ, ઓગષ્ટ, સપ્ટેમ્બરમાં બેકાબુ બનતા સરકારની આબરૂનું ચિરહરણ થતું હતું. આથી સરકારે તંત્રને દબાવી તો અધિકારીઓએ પણ સરકારને વ્હાલા થવા માનવતા, લોકોની લાગણીની પરવા કર્યા વગર કોરોનાનું મેનેજમેન્ટ કરવું શરૂ કરી દિધું હતું. મનફાવે ત્યારે કેસ વધારવા, ઘટાડવા, સેમ્પલ-ટેસ્ટીંગની સંખ્યા વધારી-ઘટાડી દેવાય છે. એટલું જ નહીં દર્દી દાખલ થાય ત્યારે તેની નોંધાતી કેસ હિસ્ટ્રીમાં જો ડાયાબીટીશ, બીપી, હાર્ટ, કેેન્સર કે અન્ય બિમારીનો ઉલ્લેખ હોય તો તેવા કિસ્સામાં કોરોનાના દર્દીનું કોવિડ હોસ્પિટલમાં જ કોવિડની સારવાર દરમિયાન મૃત્યું થાય ત્યારે તેનું મોત કોરોનાને કારણે નહીં પરંતુ અન્ય બિમારીને કારણે થયાનું રેકર્ડ ઉભું કરીને કોરોનાના મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે.
જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 900 થી વધુ દર્દીના મૃત્યું થયા છે. આ પૈકી સાડા છસ્સોથી વધુ દર્દી જામનગર શહેરના, એકસોથી વધુ દર્દી જામનગર ગ્રામ્ય વિસ્તારના અને બાકીના અન્ય જિલ્લાના દર્દીનો સમાવેશ થાય છે.
આમ છતાં જામનગર શહેરમાં કોરોનાને કારણે માત્ર 21 અને ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 14 દર્દીના જ કોરોનાથી મૃત્યું થયાનું રેકર્ડ ઉભુ કરવામાં આવ્યું છે.
આ પરિસ્થિતિમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું ચિત્ર જે જાણવા મળ્યું છે તે સાબિત કરી છે કે કોરોના સંક્રમણમાં, દર્દીના મોતમાં કુદરતી ઉતાર-ચડાવ કરતા તંત્ર નિયંત્રિત ઉતાર-ચડાવ વધુ છે. એટલે કે આરોગ્ય તંત્ર કોરોનાનું મેનેજમેન્ટ કરે છે તે નક્કી છે.
મળતી માહિતી મુજબ જામજોધપુર તાલુકામાં તા.23 નવેમ્બર સુધીમાં કોરોનાના કુલ 389 કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસ 21 છે. હોમ આઇશોલેશનમાં 19 દર્દી છે જ્યારે કોવિડ હોસ્પિટલમાં 2 દર્દી છે. હાલ જામજોધપુર તાલુકામાં 17 કોરોના ક્ધટેન્ટમેન્ટ ઝોન છે અને તેની અંદર રહેતાં 72 લોકો સર્વેલન્સમાં છે. આરોગ્ય વિભાગની 78 ટીમો બફર એરિયામાં સર્વેની કામગીરી કરે છે. 23 નવેમ્બર સુધીમાં જામજોધપુર તાલુકામાં જ 25 દર્દીના મૃત્યું થયા છે. ત્યારે સમગ્ર જામનગર ગ્રામ્ય (6 તાલુકા)માં માત્ર 21 દર્દીના કોરોનાથી મૃત્યું થયાનો તંત્રનો દાવો કોઇને ગળે ઉતરે તેવો નથી.


Related News

Loading...
Advertisement