હૈદરાબાદ પર ફતેહ મેળવવા અમિત શાહ અને નડ્ડા પહોંચશે: મોદીની પણ પ્રતીક્ષા

26 November 2020 12:46 PM
India Politics
  • હૈદરાબાદ  પર ફતેહ મેળવવા અમિત શાહ અને નડ્ડા પહોંચશે: મોદીની પણ પ્રતીક્ષા

જુના વિસ્તારમાં ઘુસણખોરો પર સર્જીકલ સ્ટ્રાઈકનું ભાજપનું વચન

હૈદરાબાદ તા.26
હૈદરાબાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આ વખતે ખૂબ જ રસપ્રદ બને તેવુ લાગે છે. ભારતીય જનતા પાર્ટીએ મેયરની ખુરશી પર કબ્જો લેવા જોર લગાવ્યુ છે અને તેના ભાગરૂપે જ ચાલુ સપ્તાહના અંતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા ચૂંટણી પ્રચાર માટે હૈદરાબાદ આવવાના છે.
ગઈકાલે હૈદરાબાદમાં સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. થોડા દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર પણ આવ્યા હતા. તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને તેમની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સામે ચાર્જશીટ મુકયું હતું. એવું પણ કહેવાઈ રહ્યું છે કે ભાજપના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હૈદરાબાદ આવી શકે છે. ઉતરપ્રદેશના ફાયર બ્રાન્ડ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સ્ટાર પ્રચારક છે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિ. કોર્પોરેશનની 150 બેઠક માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. નિગમનું આ વર્ષનું બજેટ 5380 કરોડ છે. છેલ્લી બે ચૂંટણીમાં ટીઆરએસ ચૂંટણી જીતી હતી. છેલ્લે ટીઆરએસને 99, ભાજપને 4 અને ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમને 44 બેઠક મળી હતી. કોંગ્રેસે બે મોટા વોર્ડ પર કબ્જો જમાવ્યો હતો તો ટીડીપીને એક બેઠક મળી હતી.
આ વખતની ચૂંટણીમાં મહમદઅલી ઝીણાથી લઈને સર્જીકલ સ્ટ્રાઈક સુધીનો પ્રચાર થઈ ચૂકયો છે. ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ ઓવેસીને ઝીણાનો અવતાર ગણાવ્યો હતો. પ્રદેશ પ્રમુખ બંદી સંજયકુમાર એ તેમનો પક્ષ સત્તા પર આવે એટલે જૂના વિસ્તારમાં ઘુસણખોરો પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર યાદવ બિહાર બાદ હૈદરાબાદમાં પણ ભાજપની મુખ્ય જવાબદારી ઉપાડે છે.


Related News

Loading...
Advertisement