(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.૨૫
ભાવનગરમાં આજે ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૧૧૯ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૪ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવાના તરેડ ખાતે ૧, ઉમરાળાના હડમતીયા ગામમાં ૧ તેમજ તળાજાના ટીમાણામાં ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૧૫ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૫,૧૧૯ કેસ પૈકી હાલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪,૯૮૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેમજ ૬૯ દર્દીઓનુ મૃત્યુ થયું છે.