નવી દિલ્હી તા.25
કોરોનાના કારણે કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું છે. ગુજરાતમાં ભરુચ જિલ્લાના અંકલેશ્ર્વર જન્મેલા સ્વ. અહમદ પટેલ ત્રણ વાર લોકસભા સાંસદ અને પાંચ વખત રાજયસભા સાંસદ રહ્યા હતા. અહમદ પટેલે પોતાની પ્રથમ ચૂંટણી 1977માં ભરુચથી લડી હતી, જેમાં તે 62,879 મતોથી જીત્યા હતા. 1980માં તેઓ ફરી ચૂંટણી લડયા હતા અને આ વખતે તેઓ 82,844 મતોથી જીત્યા હતા. 1984માં ત્રીજી લોકસભા ચૂંટણીમાં તેમણે 1,23,069 મતોથી જીત હાંસલ કરી હતી. 1993 થી અહમદ પટેલ રાજયસભાના સાંસદ હતા અને 2001 થી સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર પણ હતા.
વર્ષ 2004 અને 2009માં થયેલ સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને શ્રેય પણ મોટેભાગે તેમને જ જાય છે.સ્વ. અહમદ પટેલના અંગત જીવનની ઝાંખી કરીએ તો તેમના 1976માં મેમુના અહમદ સાથે લગ્ન થયા હતા. તેમને સંતાનમાં પુત્ર અને પુત્રી છે.અહમદ પટેલે રાજકીય સફરની શરુઆત નગરપાલિકા ચૂંટણીથી કરી હતી. ત્યારબાદ તેઓ પંચાયતના સભાપતિ પણ બન્યા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ રાજય કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા. ઈન્દિરા ગાંધીની કટોકટી બાદ થયેલ 1977માં સામાન્ય ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીની હાર થઈ હતી પણ આ ચૂંટણીમાં અહમદ પટેલની જીત થઈ હતી, અને પ્રથમવાર લોકસભામાં આવ્યા હતા. આમ અહમદ પટેલની રાજકીય કારકિર્દી ઉજજવળ રહી છે.
સ્વ. અહમદ પટેલનો ‘સાંજ સમાચાર’ પરિવાર સાથે નાતો રહ્યો છે
વર્ષો પહેલા સ્વ. અહમદ પટેલ ‘સાંજ સમાચાર’ની મુલાકાત લેતા હતા
રાજકોટ તા.25કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું છે. સ્વ. અહમદ પટેલનો ‘સાંજ સમાચાર’ સાથે પણ વર્ષો જૂનો નાતો રહ્યો છે.ગુજરાતના આ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહમદ પટેલનો ‘સાંજ સમાચાર’ પરિવાર સાથે ‘સાંજ સમાચાર’ના સ્થાપક સ્વ.બાબુભાઈ શાહથી માંડીને વર્તમાન તંત્રી પ્રદીપભાઈ શાહ સાથે પારિવારિક નાતો રહ્યો હતો અને ‘સાંજ સમાચાર’ પરિવાર સાથે ધનિષ્ઠ અને આત્મીય નાતો રહ્યો હતો. તેઓ વર્ષો પહેલા ‘સાંજ સમાચાર’ની મુલાકાતે આવતા હતા.