અમદાવાદ, તા. ર4
ગુજરાતમાં કોરોનાના કારણે આ વર્ષે ભગવાનનાં પણ લગ્ન અટવાઇ ગયા છે. વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પહેલી વાર તુલસી વિવાહ ઉત્સવ મોકુફ રખાયો છે. જોકે સીમીત મહેમાનો એટલે કે પૂજારી અને મુખિયાજીની હાજરીમાં શામળાજી મંદિરમાં તુલસી વિવાહની વિધિ યોજાશે.ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાએ માથું ઉંચકયું છે અને કેસ વધી ગયા છે ત્યારે અમદાવાદમાં બે દિવસ કરફયુ રાખવો પડયો હતો એટલું જ નહીં, કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સત્તાવાળાઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફયુ અમલી બનાવ્યો છે. સત્તાવાળાઓ દ્વારા રાત્રે થતાં લગ્નને મંજૂરી નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગુરૂવારે તુલસી વિવાહ છે ત્યારે કોરોનાના કારણે આ વર્ષે નાના મોટા મંદિરોના પ્રાંગણમાં ભાવિકોની હાજરીમાં ધામધૂમથી યોજાતા તુલસી વિવાહ ઉત્સવ નહીં થઇ શકે.
યાત્રાધામ શામળાજીમાં આવેલા શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઇ પટેલે કહ્યું હતું કે ‘કોરોનાના કારણે આ વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ઉજવવામાં આવતો કારતકી મેળો તથા તુલસી વિવાહ ઉત્સવ યોજવાનું મોકુફ રાખવામાં આવ્યું છે. દર વર્ષે શામળાજી અને તુલસી માતાજીનાં લગ્ન થતા આવ્યા છે. ક્ધયા પક્ષ અને વર પક્ષવાળા આવતા, મામેરૂ ભરાય અને ઉત્સાહપૂર્વક લગ્ન થતાં હતા પરંતુ કોરોનાના કારણે પહેલીવાર એવું બનશે કે ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાતા તુલસી વિવાહનો ઉત્સવ આ વર્ષે ર6 નવેમ્બર, ગુરૂવારે નહીં યોજાય. પરંતુ મંદિરની અંદર બંધબારણે સાદગીથી તુલસી વિવાહની લગ્નવિધિ પૂજારી અને મુખિયાજીની હાજરીમાં કરવામાં આવશે.