3,38,ર3,111 આટલા રૂપિયાની બોલી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબના અગ્નિસંસ્કારમાં બોલાઇ

23 November 2020 12:33 PM
Dharmik
  • 3,38,ર3,111 આટલા રૂપિયાની બોલી વિજય કલાપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબના અગ્નિસંસ્કારમાં બોલાઇ

ગુરૂભકિતમાં ઓટ નહીં

મુંબઇ, તા. ર3
800થી વધુ સાધુ-સાધ્વીજીઓ અને મુંબઇ, કચ્છ-વાગડ, રાજસ્થાન, ગુજરાત તેમ જ દક્ષિણ ભારતમાં બહોળો ભકતગણ ધરાવતા વાગડ સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજય આચાર્ય શ્રીકલાપ્રભસૂરીશ્વરજીના અગ્નિસંસ્કાર માટે 3 કરોડ 38 લાખ ર3 હજાર 111 રૂપિયાના કુલ ચડાવા થયા. કોરોનાકાળમાં 9 મહિનાથી ધંધામાં મંદી છે છતાં ચેન્નઇ, મુંબઇ અને ગુજરાતના ભકતોએ ગુરૂભકિતમાં કોઇ ઓટ આવવા દીધી નહીં અને દિલ ખોલીને રૂપિયા આપ્યા.77 વર્ષના આચાર્ય શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની તબિયત 19 નવેમ્બરે સાંજે કથળતાં તેમને ગાંધીધામની સ્ટર્લીંગ હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા. ગુણોપાસક પરિવાર ટ્રસ્ટ, ભચાઉ મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ તેમ જ નમસ્કાર તીર્થ વોંધના ટ્રસ્ટી ઉપરાંત અને તીર્થો તથા સંસ્થાઓના ટ્રસ્ટી લાલજીભાઇ કારિયાએ કહ્યું હતું કે આચાર્ય મહારાજને બે વર્ષથી શ્ર્વાસની બીમારી હતી. ફેફસાં નબળા પડી ગયા હતા માટે દરરોજ ઓકિસજન લેવો પડતો હતો. જોકે લાભ પાંચમ એટલે 19 નવેમ્બરની મોડી બપોર સુધી તેઓ સ્વસ્થ હતા. અમે પ0 વ્યકિત દેવલાલીથી પાંચ દીક્ષાર્થીઓના મુહૂર્ત લેવા તેમ જ અમારે ત્યાં યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવાની વિનંતી કરવા ગાંધીધામ આવ્યા હતા. ત્યાં મુહૂર્ત પ્રદાન કાર્યક્રમમાં સાહેબજી થોડો સમય આવ્યા, માંગલિક ફરમાવ્યું અને દીક્ષાર્થીઓને દીક્ષા મુહૂર્ત પણ આપ્યું. બપોરે અમે મળ્યા અને દેવલાલી પધારવાની વિનંતી કરી ત્યારે સ્વાસ્થ્ય અને કુદરત અનુકુળ હશે તો 1000 ટકા આવશે એવી વાત પણ કરી. ત્યારબાદ સાંજે પોણા છ વાગ્યાની આસપાસ શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલ લઇ જવાયા.


હોસ્પિટલના એડ્મિશનની પ્રક્રિયારૂપે કોરોના ચેક કરાતા પૂજયશ્રીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જોકે ત્યારબાદ પણ તેઓ સાંજે ભાનમાં હતા. ભકતો અને શિષ્યોને ખૂબ બધી જીવદયા કરવાની ભલામણ કરી હતી, પરંતુ એ પછી ઓકસીજન લેવલ વધુને વધુ ઘટતું ગયું અને તેઓ બેભાનાવસ્થામાં સરી પડયા હતા અને ર0 નવેમ્બરે બપોરે 3.ર0 વાગ્યે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.લાલજીભાઇ કહે છે, તેમની વૈયાવચ્ચમાં રહેલા પાંચ સાધુ ભગવંતો હાલમાં કવોરન્ટાઇન છે અને સ્વસ્થ છે. જોકે અચાનક આમ ગુરૂજીના અવસાનથી બધા સાહેબજીઓ અવસાદમાં છે. 67 વર્ષના સંયમ પર્યાપ્ત ધરાવનાર પૂ. કલાપ્રભસૂરી મ.સા. મૂળ રાજસ્થાનના ફલોદી ગામના હતા. તેમણે પિતા સ્વધ્યાત્મયોગી આચાર્ય કલાપૂર્ણસૂરી મ.સા., નાનાજી, માતા અને નાના ભાઇ સાથે 11 વર્ષની ઉંમરે સંયમ અંગીકાર કર્યો હતો. કચ્છ-વાગડ તેમ જ ગુજરાત રાજસ્થાનના લાખો જૈનોમાં તેમણે ધર્મપ્રીતિ જગાડી છે આથી આ વિસ્તાર તેમ જ દક્ષિણ ભારતમાં વસેલા રાજસ્થાનના જૈનોનો વિશાળ વર્ગ પૂજયશ્રી અનુયાયીઓ છે, જેમાંથી મુળ ફલોદી અને હાલ ચેન્નઇમાં રહેતા પરિવારે ગચ્છાધિપતિશ્રીના અગ્નિસંસ્કારનો લાભ લીધો હતો તેમજ કચ્છ, ગુજરાત, મુંબઇના ભાવિકોએ અંતિમયાત્રાનો લાભ લીધો હતો.


ગાંધીધામના શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતેથી ગુરૂદેવની પાલખીયાત્રાને ગાંધીધામના શર્મા રીસોર્ટની સામે ખુલ્લા પ્લોટમાં લઇ જવાઇ હતી, જેમાં પ00થી વધુ ભાવિકો સામેલ થયા હતા. પૂજયશ્રીની પાલખી અને અગ્નિદાહનો ચડાવો લેનાર ભાવિકોએ પીપીઇ કિટ પહેરીને ગુરૂજીને લઇ ગયા હતા અને ર.37 વાગ્યે તેમને અગ્નિદાહ અપાયો હતો. આ આખો કાર્યક્રમ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. હજારો ભાવિકોએ એ ડિજિટલી નિહાળ્યો હતો.


Related News

Loading...
Advertisement