આજે ગુજરાતના વધુ એક ધારાસભ્ય કોરોનામાં સપડાયા

21 November 2020 08:46 PM
Gujarat
  • આજે ગુજરાતના વધુ એક ધારાસભ્ય કોરોનામાં સપડાયા

અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના 40 જેટલા નેતાઓ સંક્રમિત થઈ ચૂક્યા છે

રાજકોટઃ
ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. ત્યારે નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સવારે ભાજપના એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયાના સમાચાર મળ્યા બાદ આજે એક કોંગી ધારાસભ્ય પણ કોરોનામાં સપડાતા ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસના 40 જેટલા નેતાઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.

આજે સવારે કડીના ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાની માહિતી મળી હતી. તેઓને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓની તબિયત સુધારા પર હોવાની માહિતી મળી હતી. ત્યાં જ સાંજે આણંદના કોંગ્રેસના MLA કાંતિ સોઢા પરમાર કોરોના સંક્રમિત થયાનું જાણવા મળ્યું છે. આ અંગે કોંગ્રેસ પ્રુમખ અમિત ચાવડાએ ટ્વીટ કરી આપી માહિતી હતી.

◆ અમિત ચાવડાનું ટ્વીટ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર કોરોના સંક્રમિત થયા છે. તેઓએ કાંતિ સોઢાના ઝડપથી સાજા થવાની પ્રાર્થના પણ કરી છે.

અગાઉ 13મી નવેમ્બરે અમદાવાદના પૂર્વ મેયર અને બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ 17 નવેમ્બરે કેશોદના ભાજપના નેતા અને ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. ડૉક્ટરની સુચનાથી ધારાસભ્ય હોમ આઈસોલેટ થઈ ગયા.

કોરોના મહામારીની શરુઆતમાં કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટ બદરુદ્દીન શેખનું કોરોનાને કારણે નિધન થયું હતું. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનામાં સપડાયા પછી 101 દિવસની લાંબી સારવાર બાદ તેમણે કોરોનાને મ્હાત આપી હતી.

◆ કોરોના સંક્રમિત થયેલા નેતાઓની યાદી

અત્યાર સુધીમાં ભાજપના ગોવિંદ પટેલ ,અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, જયેશ રાદડિયા, હર્ષ સંઘવી, કિશોર ચૌવાણ, નિમાબહેન આચાર્ય, બલરામ થાવાણી, પૂર્ણેશ મોદી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, રમણ પાટકર, પ્રવીણ ઘોઘારી, મધુ શ્રીવાસ્તવ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિતુ સુખડિયા, નરહરિ અમીન સહિતના નેતાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. કોંગ્રેસ નેતાઓમાં અહેમદ પટેલ, ઈમરાન ખેડાવાલા, કનુ પટેલ, નાથાભાઈ પટેલ, જશુ પટેલ, નિરંજન પટેલ, વીરજીભાઈ ઠુંમર, હર્ષદ રિબડિયા, ચિરાગ કાલરિયા, રઘુ દેસાઈ, બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, સી.જે.ચાવડા, કાંતિ ખરાડી, પૂનાભાઈ ગામીત, અંબરીષ ડેર, વિમલ ચૂડાસમા, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.


Related News

Loading...
Advertisement