અજમેરમાં ગરીબે નવાઝ દરગાહની મુલાકાત લેતા કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ

21 November 2020 07:02 PM
India Politics
  • અજમેરમાં ગરીબે નવાઝ દરગાહની
મુલાકાત લેતા કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ

ચાદર ચડાવી કોરોના મુકિત માટે પ્રાર્થના કરી

અજમેર તા.21
ગુજરાત કોંગ્રેસ વર્કિંગ કમિટીના ચેરમેન હાર્દિક પટેલે આજરોજ પ્રસિઘ્ધ અજમેર ખાતે સૂફી સંત ખ્વાજા મોઇનુદીન ચીશ્તી-ગરીબ નવાઝ દરગાહની મુલાકાત લીધી હતી અને દરગાહ ઉપર ચાદર ચડાવી હતી. હાર્દિક પટેલે રાજસ્થાન વકફ બોર્ડના ચેરમેન ખાનુ ખાન અને અન્ય લોકો સાથે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી હતી. શનિવારે વહેલી સવારે 10:30 વાગ્યે હાર્દિક પટેલ અજમેર દરગાહ પર પહોંચ્યા હતા. જયાં તેમનો ખાદીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક અજમેર દરગાહ પરિસરમાં એક કલાક જેટલો સમય રોકાયા હતા.
અજમેર શરીફ દરગાહના ખાદીમ સૈયદ સુહેલ અહેમદ નિયાઝીએ કે જે દરગાહમાં હાર્દિક પટેલની સાથે હાજર રહ્યા તેમણે જણાવ્યું હતું કે હાર્દિક પટેલે દેશ અને ગુજરાતના તમામ નાગરીકોની સલામતી અને ખાસ કરીને કોરોનામાંથી મુકિત માટે પ્રાર્થના કરી હતી. હાર્દિક પટેલે મન્નતનો ધાગો પણ બાંઘ્યો હતો. અજમેર શરીફ દરગાહની હાર્દિક પટેલે બીજીવાર મુલાકાત કરી છે. આ પહેલા વર્ષ 2018માં પણ હાર્દિક પટેલે અજમેર શરીફ દરગાહમાં હાજરી આપી હતી. ચાલુ નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલને 11મી નવેમ્બર થી 2 ડિસેમ્બર વચ્ચે 17 દિવસ ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે.


Related News

Loading...
Advertisement