SCA સ્ટેડિયમ તૈયાર કરનાર રાજકોટની ‘ઝેડો ડિઝાઈનર’ બરોડાનું BCA સ્ટેડિયમ તૈયાર કરશે

21 November 2020 03:59 PM
Rajkot Sports
  • SCA સ્ટેડિયમ તૈયાર કરનાર રાજકોટની ‘ઝેડો ડિઝાઈનર’ બરોડાનું BCA સ્ટેડિયમ તૈયાર કરશે

વર્લ્ડકપ-2023 પહેલાં સ્ટેડિયમ તૈયાર કરી લેવાનો લક્ષ્યાંક-નમિત કામદાર: સ્ટેડિયમમાં કોઈ પણ જગ્યા પર બેઠા હોય ત્યાંથી પાવાગઢ દેખાય તેવો બનાવાશે વ્યુ

રાજકોટ, તા.21
ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્ર્વમાં નામના પામી ચૂકેલું રાજકોટનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (એસસીએ)ની પ્રતિકૃતિ હવે બરોડામાં પણ જોવા મળશે. અહીંના સ્ટેડિયમને ડિઝાઈન કરનાર રાજકોટની ‘ઝેડો ડિઝાઈનર’ કંપનીને બરોડાના કોટામ્બી ખાતે આવેલા ક્રિકેટ સ્ટેડિયમ ડિઝાઈન કરવાનો કોન્ટ્રાક્ટ ફાઈનલ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમને તૈયાર કરવાનો પ્રારંભીક તબક્કો શરૂ થઈ ગયો છે પરંતુ તેને વર્લ્ડકપ-2023 પહેલાં તૈયાર કરી લેવાનો લક્ષ્યાંક બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા સેવવામાં આવી રહ્યો છે. આ સ્ટેડિયમની ડિઝાઈન એવા પ્રકારે તૈયાર કરવામાં આવશે કે ક્રિકેટરસિક સ્ટેડિયમની કોઈ પણ જગ્યા પર બેઠો હશે તેને ત્યાં બેઠા બેઠા પાવાગઢ દેખાશે ! દરમિયાન બીસીએ દ્વારા પણ ડિઝાઈનિંગ કંપની ઝેડોને રાજકોટ જેવી જ સુવિધા આ સ્ટેડિયમમાં ઉભી કરવા માટે ભાર અપાઈ રહ્યો છે. પહેલાં આ કોન્ટ્રાક્ટ મુંબઈની કંપનીને આપવામાં આવ્યો હતો પરંતુ તે રદ્દ કરી રાજકોટની ઝેડો કંપનીને આપી દેવાયો છે.
આ અંગે કંપનીના માલિક નમિત કામદારે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને બરોડા ક્રિકેટ સ્ટેડિયમની ડિઝાઈન કરવાનો કોન્ટ્રાક્ટ મળશે તેની કોઈ અપેક્ષા જ નહોતી પરંતુ તેમણે જે રીતે રાજકોટનું સ્ટેડિયમ ડિઝાઈન કર્યું છે તે કામ કરી ગયું હતું. સાથે સાથે તેમણે જણાવ્યું કે બરોડાનું ક્રિકેટ સ્ટેડિયમ પણ રાજકોટની તર્જ ઉપર જ તૈયાર કરવા અમે પ્રાધાન્ય આપશું. જો કે ત્યાંના સ્ટેડિયમમાં બરોડાનું સ્થાનિક આર્ટને ખાસ આવરી લેવામાં આવશે. આ ઉપરાંત દર્શકોને બેઠા બેઠા પાવાગઢનો વ્યુ ક્લિયર દેખાય તે પ્રકારે ડિઝાઈન કરવામાં આવશે. આ સ્ટેડિયમ ગ્રીન હશે અને તેમાં ઈન્ટરનેશનલ સ્ટેડિયમના માપદંડ અખત્યાર કરાશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં સોલાર એનર્જી, વોટર હાર્વેસ્ટિંગ, વોટર રિ-સાઈકલિંગ સહિતની સુવિધા પણ ઉભી કરાશે. એકંદરે રાજકોટના સ્ટેડિયમમાં જેટલી સુવિધા છે તેટલી જ અથવા તેનાથી વધુ સુવિધા અહીં મળી રહે તે પ્રકારે ડિઝાઈનિંગ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે બરોડા ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ રાજકોટના સ્ટેડિયમની અનેક વખત મુલાકાત લઈ ચૂક્યા છે અને તેમને અહીંનું સ્ટેડિયમ એટલું પસંદ પડ્યું હતું કે તેમણે બરોડાના સ્ટેડિયમની ડિઝાઈન પણ તે પ્રકારે જ ઘડવા આગ્રહ રાખ્યો છે. આ માટે અમે બરોડાની આર્કીટેક્ચર કંપની એસ-3ડી સાથે સંકલનમાં રહીને ડિઝાઈનિંગનું કામ આગળ ધપાવશું અને સ્ટેડિયમ 2023માં ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડકપ પહેલાં તૈયાર થઈ જાય તેનો લક્ષ્યાંક અમે સેવી રહ્યા છીએ. આ બદલ નમિત કામદારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહનો પણ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો તેમણે મને રાજકોટના સ્ટેડિયમને ડિઝાઈન કરવાનું તક ન આપી હોત તો કદાચ બરોડાના સ્ટેડિયમનો કોન્ટ્રાક્ટ મને મળી શક્યો ન હોત.
અત્રે ઉલ્લેખનીય છે કે બરોડાના સ્ટેડિયમને ડિઝાઈન કરવાનો કોન્ટ્રાક્ટર મુંબઈના આર્કિટેક્ટ સલીલ રણદીવને અપાયો હતો પરંતુ પૈસાની વાટાઘાટો દરમિયાન રૂા.4.80 કરોડનું એસ્ટીમેટ અપાતાં એસોસિએશનને વધુ લાગતાં તેમણે ઝેડો ક્ધસલ્ટન્ટને કામ સોંપવાનો નિર્ણય લીધો છે.


Related News

Loading...
Advertisement