જૂનાગઢના વડાલ પાસે કાર કૂવામાં ખાબકતા સાળા-બનેવીના મોત

21 November 2020 12:59 PM
Junagadh
  • જૂનાગઢના વડાલ પાસે કાર કૂવામાં ખાબકતા સાળા-બનેવીના મોત

કાર શીખવાનો કરૂણ અંજામ : પાંચ કલાકની મહેનત બાદ લાશો કૂવામાંથી બહાર નીકળી : ગામમાં ગમગીની

જૂનાગઢ,તા. 21
જૂનાગઢ તાલુકાના વડાલ ગામે બપોરના બનેલી ઘટનામાં બનેવીને કાર શીખવા દેતા સાળા બનેવી બંનેના મોત નિપજ્યા હતા. કાર 75 ફૂટ ઉંડા કૂવામાં ખાબકતા 50 ફૂટ પાણી ભરેલા કૂવામાંથી બંનેની લાશને બહાર કાઢતા 5 કલાકનો સમય લાગ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભારે શોક છવાયો હતો. આ અંગેની વિગત મુજબ જેતપુર રહેતા પટેલ વિપુલભાઈ કડવાભાઈ ડોબરીયા (ઉ.45) હાલ ચોકી ગામે વતન આવેલ તેમના બહેન વડાલ ગામે રહેતા હોય તે ગઇકાલે બપોરના તેના બનેવી ચેતનભાઈ મોહનભાઈ દોમડીયા (ઉ.42) સાથે વડાલ ગામની સીમમાં આવેલ વાડીએ હુન્ડાઈ કારમાં જઇ રહ્યા હતા. બપોરના 3 વાગ્યાના અરસામાં કાર વાડીના ઝાંપામાં આવેલ ત્યારે કાર શીખવા માટે ડ્રાઈવીંગ સીટ પર ચેતનભાઈ મોહનભાઈ દોમડીયાએ બેસી કાર હંકારતા લીવર ઉપર પગ દઇ દેતાં બ્રેક પર પગ ન જતાં 20 ફૂટ દૂર કૂવામાં કાર 85 ફૂટ ઉંડા કુવામાં ખાબકી હતી. બંને કાર સાથે કુવામાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા. જૂનાગઢ ફાયરને જાણ કરાતા ક્રેઇનની મદદથી 5 કલાકની જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તરવૈયાઓએ મહામહેનતે ઉંડા કુવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢયા હતા. નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ચેતનભાઈને સંતાનમાં 15 વર્ષની દિકરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્રેઇનના દોરડા બે થી 3 વખત તૂટી જવા પામ્યા હતા. અને રાત્રિના 8 કલાકે બંને મૃતદેહ અને કારને બહાર કાઢવામાં આવી હતી.


Loading...
Advertisement