મોરબીના ધૂનડા ગામે ખનીજ ચોરીમાં સંડોવાયેલા પાંચ ઝડપાયા : એકની શોધખોળ

21 November 2020 12:44 PM
Morbi
  • મોરબીના ધૂનડા ગામે ખનીજ ચોરીમાં સંડોવાયેલા પાંચ ઝડપાયા : એકની શોધખોળ

1.89 કરોડના દંડની વસુલાતના હુકમ બાદ પોલીસની કાર્યવાહી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.21
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઘુનડા ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી બેફામ ખનીજચોરી કરવામાં આવી હતી જેથી મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક, હટાચી ચાલક, વાહનોના માલિક અને અન્ય બે શખ્સો એમ કુલ મળીને છ શખ્સોની સામે 1.89 કરોડથી વધુ રૂપિયાનો દંડ વસૂલ કરવા માટેની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરેલ છે. ટંકારા તાલુકાના ઘુનડા ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી અને મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુરભાઇ જે. ભાદરકા દ્વારા થોડા દિવસો પહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી કે તારીખ 9/11 ના ત્રણ વાગ્યાથી લઈને તા 13/11 ના બપોરના બે વાગ્યા સુધીમાં ઘુનડા ગામની સીમમા આવેલ ગામની સીમતળની સરકારી જમીનમાંથી હાર્ડ મોરમ (મેટલ) ખનીજની ગેરકાયદેસર ચોરી કરવામાં આવેલ છે અને આરોપીઓ દ્વારા ડમ્પર નંબર જીજે 12 એટી 6686માં ભરીને લઇ ગયા છે તેમજ નંબર વગરના પીળા કલરના હિટાચી મશીનનો ઉપયોગ ખનીજ ચોરી માટે કરવામાં આવેલ છે અને આરોપીઓ ખરાબાની જમીનમાંથી 59,658.661 મેટ્રીક ટન હાર્ડ મોરમ ચોરી કરી ગયેલ છે જેથી સરકારની જોગવાય પ્રમાણે કુલ મળીને 1,89,26,711 નો દંડ વસુલ કરવાનો થાય છે. ઘુનડા ગામે ખનીજ ચોરીના બનાવમાં હાલમાં પ્રોબેસનલ એએસપી અભિષેક ગુપ્તા દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં માનસિંગભાઈ મગનભાઈ કુરીયા (સુલ્તાનપુર), કાળુભાઇ બાબુભાઈ નિનામા (ત્રાજપર), વિજયભાઈ મનુભાઇ રાઠોડ (નિત્યાનંદ સોસાયટી), નિલેશ લક્ષ્મણભાઈ રાવા (વિધ્યુતનગર) અને વકીલરામ કાશીલાલ યાદવનો સમાવેશ થાય છે અને એક આરોપીને પકડવાનો બાકી હોવાથી તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે આ ઉપરાંત રાજકોટ - મોરબી રોડ પરથી રોયલ્ટી વગર પસાર થતાં રેતીના 10થી વધુ ડમ્પર ડિટેઇન કરેલ છે.


Loading...
Advertisement