રાજકોટ, સુરત, વડોદરામાં આજે રાત્રીથી કર્ફયુ : લોકોનો સહકાર માંગતી સરકાર

21 November 2020 12:20 PM
Rajkot Saurashtra
  • રાજકોટ, સુરત, વડોદરામાં આજે રાત્રીથી કર્ફયુ : લોકોનો સહકાર માંગતી સરકાર

અમદાવાદમાં દર્દીઓ માટે પુરતી પથારી હોવાનો દાવો, કર્ફયુમાં પ્રજાના સહયોગ માટે અપીલ કરતા નીતિન પટેલ

ગાંધીનગર તા.21
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની મહામારી સામે આજે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યુ છે ત્યારે કેટલીક સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે કેટલાક વિસ્તારોમાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સામે નાગરિકોએ ભયભીત થવાની કે અફવાઓમાં આવીને ગભરાવવાની સહેજ પણ જરૂર નથી. રાજ્ય સરકારનું આરોગ્યતંત્ર કોરોનાગ્રસ્ત નાગરિકોને સુવિધાઓ સાથે સારવાર આપવા માટે સંપૂર્ણ સજ્જ છે. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય કોર ગ્રુપની બેઠક મળી હતી જેમાં તહેવારો દરમિયાન વધેલી અવરજવરને કારણે કોરોનાના કેસો વધવાની શક્યતાના અનુસંધાને ચર્ચા વિચારણા થઇ હતી. કોરોનાના કેસો નિયંત્રણમાં રાખી શકાય તે માટે અગમચેતીના ભાગરૂપે અમદાવાદ મહાનગર વિસ્તારમાં કર્ફ્યુ લગાવાયો છે. તે જ રીતે હવે રાજકોટ, વડોદરા અને સુરત મહાનગર વિસ્તારમાં પણ રાત્રી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો છે.

આ ત્રણેય મહાનગરોમાંથી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, ફેડરેશન, વેપારીએસોસીએશનો તથા અગ્રણીઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે તહેવારો બાદ કોરોનાના કેસો-સંક્રમણ વધે નહિ તે માટે અહીં પણ અમદાવાદની જેમ રાત્રી કર્ફ્યુની વ્યવસ્થા થાય. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આરોગ્યના હિતમાં બીજો નિર્ણય જાહેર ન કરાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યુનો નિર્ણય લીધો છે. આ કર્ફ્યુ દરરોજ રાત્રે 9 થી સવારના 6 કલાક સુધી અમલી રહેશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, સોશીયલ મીડિયામાં એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યુ છે કે, કોરોના સંક્રમીત દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં પથારીની પૂરતી વ્યવસ્થા નથી અને પથારીઓ ખૂટી પડી છે. જે બિલકુલ પાયાવિહોણી બાબત છે. અમદાવાદ સિવીલ હોસ્પિટલની સ્યેશીયલ કોવીડ કેર સેન્ટર તરીકે જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં 60 જેટલી આઇ.સી.યુ. વ્યવસ્થા સાથેની પથારીઓ હાલ પણ ખાલી છે.

તે ઉપરાંત અન્ય નોન ક્રીટીકલ દર્દીઓ માટેની પથારી પણ પૂરતી ઉપલબ્ધ છે. એટલુ જ નહિ, તાજેતરમાં આ હોસ્પિટલમાં વધુ 120 પથારી વધારવાની સૂચનાઓ અપાઇ હતી, જેનું કામ પૂર્ણ થવાના આરે છે. એટલે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં 1200 પથારી ઉપરાંત 120 પથારી ઉમેરાતા હવે 1320 પથારી ઉપલબ્ધ બનશે તે ઉપરાંત સોલા સીવીલ હોસ્પિટલ, ગાંધીનગર સિવીલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલની વધારાની વીંગમાં કોરોનાના દર્દીઓ માટે શરૂ કરાયેલ અલાયદી હોસ્પિટલ, કીડની હોસ્પિટલ ઉપરાંત એસ.વી.પી. હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં પથારીઓ ઉપલબ્ધ છે તે ઉપરાંત ખાનગી સુપર મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં પણ સરકારે ઉભી કરેલી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આગોતરી તૈયારીના ભાગરૂપે નડીયાદ અને કરમસદની મેડીકલ કોલેજ ખાતે પણ અમદાવાદના કોરોનાગ્રસ્ત દર્દીઓને દાખલ કરી શકાય તે માટેની સુવિધા ઉપલબ્ધ છે.


નાયબ મુખ્યમંત્રી પટેલે કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્યમાં જે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે તેમાં અગાઉના લોકડાઉન-અનલોકનાં સમયમાં જે પ્રજાકીય સહયોગ મળ્યો તેવો જ સહયોગ આગામી સમયમાં પણ મળે તેવો જ સહકાર આપવા રાજ્યના સૌ નાગરિકોને અપીલ કરી હતી.

જાણો કઇ રીતે કર્ફયુનો અમલ રહેશે 

- રાજકોટ સુરત અને વડોદરામાં રાત્રીના 9 થી સવારે 6 રાત્રી કર્ફ્યુ રહેશે
- અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી આ નિર્ણય અમલી રહેશે
- અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોરોના ઓછો વકરે છે
- વિવિધ પરીક્ષાઓ આપવા જતાં વિદ્યાર્થી રીસીપ્ટ બતાવશે તો તેને પરીક્ષા સ્થળ ઉપર જવાની મંજૂરી પોલીસ દ્વારા આપવામાં આવશે
- એરપોર્ટ અને રેલવે સ્ટેશન કોઈને લેવા કે મુકવા જવું હોય તો વોટ્સએપ દ્વારા ટિકિટ મેળવી ને પોલીસને બતાવવાથી જવા દેવામાં આવશે
- રાત્રી કર્ફ્યુ લગાડવામાં આવ્યો હોવાથી લગ્ન પ્રસંગ દિવસે જ આયોજિત કરવાની અપીલ કરવામાં આવી છે અને 200ની સંખ્યામાં મર્યાદિત આમંત્રિતોનું લિસ્ટ પોલીસ સ્ટેશને આપવું પડશે અને       ત્યારબાદ જ જે તે વ્યક્તિને દિવસના લગ્ન આયોજિત અંગેની મંજૂરી આપવામાં આવશે
- રાત્રે લગ્ન અંગે કોઇ પણ વ્યક્તિને મંજૂરી આપવામાં નહીં આવે રાત્રી કર્ફ્યુ ચુસ્ત પાલન થશે
- ચાની લારી હોટલ કે પાનના ગલ્લે બિનજરૂરી લોકો એકઠા થશે તો તરત જ જે-તે કોર્પોરેશન દ્વારા સિલ મારવામાં આવશે
- હાઈવે ઉપર ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહેશે
- પેટ્રોલ પંપ સેવા ચાલુ રહેશે
- બેંક - અઝખ સેવાઓ પણ ચાલુ રહી શકશે
- ઈલેક્ટ્રોનિક - પ્રિન્ટ મીડિયા ચાલુ રહેશે
- જાહેરનામાનો ભાગ કરનાર સામે ગુન્હો દાખલ કરાશે
- ઇ કોમર્સમાં દવાઓની હોમ ડિલિવરી માટે છૂટ મળશે
- દૂધ તથા દવાની દુકાનો ચાલુ રહેશે
- તમામ પ્રકારની તબીબી સેવાઓને કર્ફ્યુંમાં છૂટ મળશે
- ચારેય શહેરોનાં હાઈવે દ્વારા બસ - કાર સેવાનો ઉપયોગ કરી શકાશે.


Related News

Loading...
Advertisement