જામકંડોરણાની મહિલાઓને સિલાઇ મશીન આપવાના બહાને છેતરનાર શખ્સ બે દિવસનાં રીમાન્ડ પર

21 November 2020 11:24 AM
Dhoraji Crime
  • જામકંડોરણાની મહિલાઓને સિલાઇ મશીન આપવાના બહાને છેતરનાર શખ્સ બે દિવસનાં રીમાન્ડ પર

સિલાઇ મશીન વિતરણની સ્કિમના નામે 100થી વધુ મહિલા પાસેથી રૂા.87,200 ખંખેર્યા’તા : પોલીસે દબોચી પુછપરછ આદરી

(ભોલાભાઇ સોલંકી/સાગરભાઇ સોલંકી)
ધોરાજી તા.21
જામકંડોરણા પંથકની ગરીબ મહિલાઓ પાસેથી સિલાઈ મશીન વિતરણની સ્કીમના નામે મહિલા દિઠ રૂા.650 ઉઘરાવી અમદાવાદના શખ્સે ઠગાઈ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મોદીજી યુવા સંગઠનનો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની ઓળખ આપી સ્કીમના ઓઠા હેઠળ અનેક મહિલાઓને શીશામાં ઉતારી નાણા ખંખેરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે જામકંડોરણા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલાબેન લલીતભાઈ દવે (ઉ.48)એ જામકંડોરણા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના બાપુનગરમાં ઈલા સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ઉર્ફે રામ જુંજીયાનું નામ આપ્યુ છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીને મોદીજી યુવા સંગઠનનો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની ઓળક આપી લોકડાઉન પહેલા સિલાઈ મશીન વિતરણની સ્કીમ હોવાનું જણાવી ગરીબ મહિલા લાભાર્થીઓની વિગત મંગાવી ત્યારબાદ સિલાઈ મશીન મંજુર થઈ ગયાનું જણાવી મહિલા લાભાર્થી દીઠ રૂા.650 ભરવાનું જણાવતા ફરિયાદીએ લાભાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવી કુલ રૂા.87200 આરોપીના બેંક ખાતામાં જમા કરાવેલા ત્યાર બાદ અવાર નવાર સિલાઈ મશીન મળી જશે તેવા ઉડાઉ જવાબ આપ્યા હતા અને આરોપીએ ફોન બંદ કરી દેતા છેતરપીંડી થયાની જાણ થઈ હતી તથા આરોપીએ આ સ્કીમ હેઠળ જામકંડોરણાના દડવી અને જસાપરની મહિલાઓ સાથે પણ ઠગાઈ આચર્યાનું જાણવા મળ્યુ છે.આ અંગે જામકંડોરણા પોલીસે પ્રફુલાબેનની ફરિયાદ પરથી આરોપી યુવરાજસિંહ ઉર્ફે રામ જુંજીયા વિરૂધ્ધ રૂા.87200ની ઠગાઈ આચર્યાનો ગુનો નોંધી પીએસઆઈ જે.યુ. ગોહીલે આરોપીની ધરપકડ કરી કેટલી મહિલાઓ સાથે ઠગાઈ આચરી હતી એ અંગે પોલીસે આરોપીને કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતાં આરોપી યુવરાજસિંહ જુંજયાનાં બે દિવસમાં રીમાન્ડ મંજૂર થયા હતાં.


Related News

Loading...
Advertisement