નલીયા-રાજકોટ ઠંડાગાર : ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી પડી

21 November 2020 10:57 AM
Rajkot Saurashtra
  • નલીયા-રાજકોટ ઠંડાગાર : ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી પડી

નલીયામાં 8.8 ડીગ્રી અને રાજકોટમાં 11.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું : કેશોદ, ડીસા, વડોદરા, ભાવનગર, પોરબંદર અને કંડલામાં પણ તીવ્ર ઠંડીનો અહેસાસ

રાજકોટ,તા. 21
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે પણ સવારે ઠંડીનુ્ં જોર યથાવત રહ્યું હતું. ખાસ કરીને આજે પણ નલીયા-ડીસા-રાજકોટ-અમરેલી-કેશોદમાં તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. ખાસ કરીને કચ્છમાં નલીયા અને સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. નલીયા અને રાજકોટવાસીઓએ આજે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. કડકડતી ઠંડીના કારણે નલીયા અને રાજકોટવાસીઓ ધ્રુજી ઉઠયા હતા.


આ અંગેની હવામાન કચેરીમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજરોજ સવારે નલીયા ખાતે રાજ્યનું સૌથી નીચુ તાપમાન 8.8 ડીગ્રી નોંધાયું હતું. જેના કારણે નલીયાવાસીઓએ આકરી ઠંડીનો અનુભવ કર્યો હતો. આ જ રીતે રાજકોટ શહેરમાં આજે સવારે 11.2 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા રાજકોટવાસીઓ પણ ઠંડીથી થરથરી ગયા હતા.


આજરોજ રાજકોટમાં ચાલુ સિઝનનુ સૌથી નીચુ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત આજરોજ સવારે અમદાવાદ ખાતે 16 ડીગ્રી, ડીસામાં 14.4 ડીગ્રી, વડોદરામાં 15.2 ડીગ્રી, સુરતમાં 18.4 ડીગ્રી, કેશોદમાં 12.5 ડીગ્રી, ભાવનગર ખાતે 15.4 ડીગ્રી, પોરબંદરમાં 15.5 ડીગ્રી, વેરાવળમાં 18.9 ડીગ્રી તેમજ દ્વારકા ખાતે 17.8 ડીગ્રી, ઓખામાં 22.9 ડીગ્રી અને ભૂજમાં 14.6 ડીગ્રી તેમજ સુરેન્દ્રનગર ખાતે 15.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.


દરમિયાન આજે કચ્છમાં કંડલા ખાતે પણ તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. કંડલા એરપોર્ટ પર આજે સવારે 13.1 ડીગ્રી અને ન્યૂ કંડલા ખાતે 15 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં આજે સવારે 16.4 ડીગ્રી અને રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 13.5 ડીગ્રી તથા મહુવામાં 14.3 ડીગ્રી, દીવમાં 16.4 ડીગ્રી અને વલસાડમાં 15.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. એકંદરે આજરોજ પણ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તીવ્ર ઠંડીની લપેટમાં રહ્યું હતું અને લોકોએ શિયાળાનો ઓરીજનલ મિજાજ અનુભવ્યો હતો.


Related News

Loading...
Advertisement