વિરપુર સહિત સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની સાદગી સભર ઉજવણી

21 November 2020 10:25 AM
Gondal
  • વિરપુર સહિત સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની સાદગી સભર ઉજવણી
  • વિરપુર સહિત સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની સાદગી સભર ઉજવણી
  • વિરપુર સહિત સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની સાદગી સભર ઉજવણી

શોભાયાત્રા-ભોજન સમારોહ સહિતના તમામ કાર્યક્રમો રદ કરાયા: વિરપુરમાં સૂરતથી આવેલા સાયકલ સવારોનું સ્વાગત થયું :વિરપુરમાં બજારોમાં રોશની-રંગોળીની સજાવટ : કોરોના મહામારી વચ્ચે અન્નક્ષેત્રમાં પણ સરકારી નિયમો અનુસાર પ્રસાદનો લાભ

વિરપુર (જલારામ) તા.21
સંત શિરોમણી પૂ.જલારામ બાપાની જન્મજયંતિની આજે વિરપુર સહિત સૌરાષ્ટ્રભરમાં આસ્થાભેર સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કોરોના મહામારીના કારણે શોભાયાત્રા તથા રઘુવંશી સમાજ દ્વારા યોજાતા સમુહ ભોજન સહિતના કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસે દરેક તહેવારની ઉજવણીમાં ધરમૂળથી ફેરફાર કરાવી નાખ્યાં છે જેમાં શનિવારના રોજ પૂજ્ય જલારામબાપાની 221મી જન્મ જયંતિની નિમિતે વીરપુરમાં બાપાની જયંતિ સાદાઈથી ઉજવાશે અને બની શકે તો વીરપુર આવ્યા વગર પોપોતાના ઘરે જ ઉજવણી કરવા ગાદીપતિ દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે.


એક વર્ષ પૂર્વે બાપાની પૂજ્ય જલારામ બાપાની 220મી જન્મ જયંતી અને સદાવ્રતને 200 વ્રત નિમિતે પૂજ્ય મોરારીબાપુની કથાનું આયોજન કરી બાપાની જન્મ જયંતી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. ચાલુ વર્ષે 221મી જન્મ જયંતી કોરોના વાયરસના સમયમાં આવી છે. અને દિવાળીના તહેવારો બાદ સંક્રમણ પણ ખૂબ વધ્યું હોવાથી બાપાની જન્મ જયંતી સાદાઈથી ઉજવવાનો નિર્ણય ગાદીપતિ દ્વારા લેવામાં આવ્યો છે. દર વર્ષે ગામના જ સેવાભાવી યુવાનો દ્વારા બાપાની જેટલામી જયંતી હોય તેટલા કિલોની કેક બનાવવામાં આવતી અને તે પ્રસાદીરૂપે ભાવિકોને આપવામાં આવતી અને શોભાયાત્રા નીકળતી તેને બદલે દરેક ભાવિકોને ગરમ ઉકાળો આપવામાં આવશે અને શોભાયાત્રા રદ રાખવામાં આવી છે.


જ્યારે બાપાના પરિવારજનો દ્વારા વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા કર્યા બાદ મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે જે રાત્રીના સાડા નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અને પ્રસાદ સવારના દસથી રાત્રીના દસ વાગ્યા સુધી આપવામાં આવશે. ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને બાપાના પરીવારજન એવા ભરતભાઇ ચાંદરાણી દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે બની શકે તો વીરપુર આવ્યા વગર પોતપોતાની ઘરે જ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરી લેવી. અને સોમવારથી મંદિર અને અન્નક્ષેત્ર બંને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુ.બાપાની જન્મજયંતિ હોઇ જલીયાણધામમાં વેપારી મિત્ર મંડળ દ્વારા રોડ રસ્તાઓ તેમજ મેઈન બજારોમાં ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેસ શણગાર કરવામાં આવ્યો છે,વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓ દ્વારા ઘેર- ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, આંગણે રંગોળી, દિવડાઓ તેમજ લાઈટ ડેકોરેશનથી સુશોભીત કરવામાં આવેલ છે.


સુરતથી વીરપુર સાયકલથી સંઘ આવી પહોંચ્યો આજે શનિવારના રોજ સંત શીરોમણી જલારામ બાપાની 221મી જન્મ જયંતી નિમિતે છેલ્લા બાર વર્ષથી સુરતથી વીરપુર સાયકલ લઈને આવતું કૃષ્ણ ગ્રૂપ આજે ચોથા દિવસે આવી પહોંચ્યો હતો. અને કોરોના મહામારી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની આજ રોજ 221મી જન્મ જયંતી છે. ગયા વર્ષે બાપાના અન્નક્ષેત્રને બસો વર્ષ થતાં અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ચાલુ વર્ષે કોરોના મહામારી હોય પૂજ્ય બાપની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવશે. દર વર્ષે બાપાની જન્મ જયંતી નિમિત્તે બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો, સાયકલ મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા 12 વર્ષથી સુરતના ગભેણી ગામેથી સાયકલ લઈને આવતું કૃષ્ણ ગ્રૂપ આજે આવી પહોંચ્યો હતો. આ સંઘના મેહુલ કુમારે જણાવેલ કે તેઓ 45 મિત્રો સાયકલ લઈને ચાર દિવસ પહેલા નીકળ્યા હતા. નીકળતા પૂર્વે તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવેલ અને સેનેટાઇઝર, માસ્ક સાથે લઈને તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાલન કરતા નીકળ્યા છીએ. આને વીરપુર પહોંચતા ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી.


ગોંડલ
કારતક સુદ સાતમ એટલે સંત શિરોમણી પ.પૂ. શ્રી જલારામ બાપા ની જન્મ જયંતિ. જે દરવર્ષે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માં આવે છે પરંતુ હાલ ની કોરોનાની પરિસ્થિતિને કારણે ગોંડલ લોહાણા મહાજન દ્વારા સાદગીથી ઉજવણી કરશે જેમાં પૂ. જલારામ બાપા ની જન્મ જયંતિ નિમિતે તા. 21-11-2020, શનિવારે સાંજે 7 કલાકે શ્રી લોહાણા મહાજન વાડી, 6-મહાદેવ વાડી, ગોંડલ ખાતે પૂજન /અર્ચન/સત્સંગ ધૂનનું આયોજન કરી સાદગી થી ઉજવવા નું આયોજન કરેલ છે.


સાવરકુંડલા
દર વર્ષની જેમ સાવરકુંડલા શહેરમાં પણ જલારામ જયંતિ નિમિત્તે યોજાતી શોભાયાત્રા અને સામુહિક લોહાણા જ્ઞાતિ પ્રસાદ ભોજન આ વર્ષની કોરોનાની મહામારીને લક્ષમાં લઈને મોકૂફ રાખવામાં આવેલ છે. આજની વિકટ પરિસ્થિતિને લીધે કોરોના ગાઈડલાઈનસનું પાલન કરવું પણ જરૂરી હોવાથી સમગ્ર સમાજે પોતાના ઘરે જ ખૂબ જ ભાવપૂર્વક પૂ. જલારામ બાપાનું પૂજન અર્ચન કરવાનું ઠરાવ્યું છે. આમ દર વર્ષે થતું સમસ્ત લોહાણા સમાજનું સમૂહ પ્રસાદ જ્ઞાતિ ભોજનનું આયોજન આ વર્ષે મુલત્વી રાખવામાં આવેલ છે.


Loading...
Advertisement