દિવાળીમાં ગુજરાતમાં વેપાર ટનાટન: 43.73 લાખ ઈ-વે બીલ જનરેટ થયા

20 November 2020 06:07 PM
Rajkot Business
  • દિવાળીમાં ગુજરાતમાં વેપાર ટનાટન: 43.73 લાખ ઈ-વે બીલ જનરેટ થયા

દિવાળી દરમ્યાન રાજયનાં હાઈવે ઉપર વ્યાપક માત્રામાં માલની હેરફેરનાં કારણે

રાજકોટ તા.20
તાજેતરમાં પૂર્ણ થયેલા દિવાળીના તહેવારો સ્ટેટ જીએસટીની મોબાઈલ ચેકીંગ સ્કવોડને ફળ્યા છે અને સ્ટેટ જીએસટીની મોબાઈલ ચેકીંગ સ્કવોડને છેલ્લા 19 દિવસ દરમ્યાન નોંધપાત્ર રકમની આવક થવા પામી છે. આ આવક હાઈવે પર ઈ-વે બીલ વિના રોકાયેલા અને ડીટેઈન કરાયેલા ટ્રકના વેરા અને દંડ પેટે આવી છે.
આ અંગેની જીએસટીના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ તાજેતરમાં દિવાળીના તહેવારો દરમ્યાન રાજયના જુદા જુદા હાઈવે અને ચેકપોસ્ટ પર મોટા પ્રમાણમાં તહેવારો સંબંધીત માલની હેરફેર થઈ હતી. અસંખ્ય ટ્રકો એકથી બીજા સ્થળે માલ ઠલવવા ગયા હતા. આ તહેવારો દરમ્યાન સ્ટેટ જીએસટીની મોબાઈલ ચેકીંગ સ્કવોડ દ્વારા રાઉન્ડ ધ કલોક હાઈવે ચેકીંગ કરવામાં આવેલ હતું. આ ચેકીંગ દરમ્યાન મોબાઈલ ચેકીંગ ટીમોએ અનેક ઈ-વે બીલ વિનાની અને ક્ષતિગ્રસ્ત ઈ-વે બીલ સાથેની માલ ભરેલી ટ્રકો ડીટેઈન કરી હતી.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ છેલ્લા 19 દિવસ દરમ્યાન સ્ટેટ જીએસટીની મોબાઈલ ચેકીંગ ટીમોએ રાજયની જુદી જુદી ચેકપોસ્ટ અને હાઈવે પર કરેલા ચેકીંગ દરમ્યાન ઈ-વે બીલ વિનાની અને ક્ષતિગ્રસ્ત ઈ-વે બીલ સાથેની 234 ટ્રકો ડીટેઈન કરી હતી અને વેરો તથા દંડ પેટે રૂા.6 કરોડની વસુલાત પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોના કારણે છેલ્લા 19 દિવસ દરમ્યાન રાજયમાં નોંધપાત્ર માત્રામાં ઈ-વે બીલ જનરેટ થયા હતા. આ અંગેની મળતી વધુ વિગતો મુજબ છેલ્લા 19 દિવસ દરમ્યાન સમગ્ર રાજયમાં 43.73 લાખ ઈ-વે બીલ જનરેટ થયા હતા.
જીએસટીના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોમાં માલની મોટાપાયે હેરફેર થઈ હતી જેના કારણે આટલી મોટી સંખ્યામાં ઈ-વે બીલ જનરેટ થયા હતા. છેલ્લા 19 દિવસ દરમ્યાન મોબાઈલ ચેકીંગ ટીમોએ જે ટ્રકો ઝડપી તેમાં સૌથી વધુ સોપારી, વાસણો, ઈલેકટ્રીક સામાન, સ્ક્રેપ અને ટાઈલ્સની કોમોડીટીમાં સૌથી વધુ વેરો અને દંડની વસુલાત થઈ હતી. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સોનગઢ, શામળાજી હાઈવે અને ચેકપોસ્ટ પર સૌથી વધુ રકમની વસુલાત મોબાઈલ ચેકીંગ ટીમોને થવા પામી હતી.
આમ છેલ્લા 19 દિવસની જીએસટીની મોબાઈલ ચેકીંગ ટીમોની રાજયમાં થયેલી કાર્યવાહી જોતા અને ખાસ કરીને છેલ્લા 19 દિવસ દરમ્યાનની ઈ-વે બીલ જે નોંધપાત્ર સંખ્યામાં જનરેટ થયા તેના પરથી એવુ ચિત્ર સ્પષ્ટ થાય છે કે દિવાળીના દિવસો દરમ્યાન રાજકોટ સહીત સમગ્ર ગુજરાત રાજયમાં વેપાર-ઉદ્યોગ ટનાટન રહ્યા. ખાસ કરીને રિટેલ વેપારીઓને ખૂબ સારો વેપાર થયો હતો. આ ઉપરાંત અન્ય ધંધાર્થીઓને પણ દિવાળીના દિવસો દરમ્યાન ખૂબ સારો વેપાર થયાનું ચિત્ર ઉપસે છે જીએસટીના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની પરિસ્થિતિને કારણે ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં ખાસ કોઈ રોનક દેખાશે નહી તેવી આશંકા લાગતી હતી પરંતુ લોકોએ કોરોનાના ભયને ભુલી જઈને અને વ્યાપક માત્રામાં બજારોમાં નીકળી પડી અને જુદી જુદી ચીજવસ્તુઓની જંગી ખરીદી કરી હતી. આથી હાઈવે અને ચેકપોસ્ટ પર માલની મોટાપાયે હેરફેર પણ સતત રહેવા પામી હતી.


Related News

Loading...
Advertisement