ICCના નિર્ણયે ટીમ ઈન્ડિયાને રાતોરાત નંબર વનના સ્થાનેથી હટાવી નાખી

20 November 2020 12:41 PM
Sports
  • ICCના નિર્ણયે ટીમ ઈન્ડિયાને રાતોરાત નંબર વનના સ્થાનેથી હટાવી નાખી

ઓસ્ટ્રેલિયા પહેલાં નંબરે પહોંચી: હવે પોઈન્ટ નહીં પરંતુ જીતનો રેશિયો નંબર માટે આધાર બનશે

નવીદિલ્હી, તા.20
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ એટલે કે આઈસીસીએ એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ટીમ ઈન્ડિયાને બહુ મોટું નુક્સાન થયું છે. આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલનો નિયમ જ બદલાવી નાખ્યો છે જેના કારણે બુધવાર સુધી નંબર વન ઉપર રહેલી ટીમ ઈન્ડિયા હવે બીજા નંબરે પહોંચી ગઈ છે. બીજી બાજુ બીજા નંબરની ઓસ્ટ્રેલિયન ટીમનું રેન્કીંગ હવે પ્રથમ નંબર થયું છે. આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના રેન્કીંગનો આધાર હવે પોઈન્ટ ટેબલ નહીં પરંતુ જીતની ટકાવારીને બનાવ્યો છે. મતલબ કે જે ટીમનો જીતનો રેશિયો વધુ હશે તે ટીમ નંબર વન બનશે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલને લઈને આઈસીસીના તાજા નિયમ બાદ હવે ટીમ ઈન્ડિયા બીજા નંબરે પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ચાર શ્રેણી રમી છે અને તેનો જીતનો રેશિયો 75 ટકા છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 3 સિરીઝમાં 82.22 ટકા સાથે પહેલાં નંબરે પહોંચી ગઈ છે. આ પહેલાં ટીમ ઈન્ડિયા 360 પોઈન્ટ સાથે પહેલાં નંબર પર હતી અને ઓસ્ટ્રેલિયાના 296 પોઈન્ટ હતા. આઈસીસીના આ નિયમ બાદ હવે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આગામી સિરીઝ વધુ રોમાંચક બની જશે. આ બન્ને જ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બે જોરદાર હરિફ ટીમ સાથે ટકરાવાનું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સાથે ટકરાયા બાદ સાઉથ આફ્રિકા સાથે ટેસ્ટ શ્રેણી રમશે અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ ઈંગ્લેન્ડ સામે ટકરાશે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ત્રીજા નંબરે ઈંગ્લેન્ડ છે જેણે 4 ટેસ્ટ શ્રેણીમાં 60.83 ટકા પોઈન્ટ મેળવ્યા છે. ન્યુઝીલેન્ડ ચોથા નંબરે છે અને તેનો જીત રેશિયો 50 ટકા છે. 39.52 ટકા પોઈન્ટ ટકાવારી સાથે પાકિસ્તાન પાંચમા નંબરે છે. જ્યારે છઠ્ઠા ક્રમે શ્રીલંકા, 7મા ક્રમે વેસ્ટ ઈન્ડિઝ, 8મા ક્રમે સાઉથ આફ્રિકા અને નવમા નંબરે બાંગ્લાદેશ છે.


Related News

Loading...
Advertisement