સેન્સેકસ 500 પોઈન્ટ ગગડયો: હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલી

19 November 2020 06:25 PM
Rajkot Business
  • સેન્સેકસ 500 પોઈન્ટ ગગડયો: હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલી

સોનામાં દિવાળીથી સતત ઘટાડો: હાજરમાં 52000: ચાંદીમાં 63300

રાજકોટ તા.19
શેરબજાર તથા સોના-ચાંદીમાં આજે ગાબડા પડયા હતા. સેન્સેકસ 500 પોઈન્ટ ગગડયો હતો. જયારે સોનામાં રૂા.400 તથા ચાંદીમાં રૂા.1300થી વધુનો ઘટાડો હતો.
શેરબજારમાં આજે શરુઆત નબળા ટોને થયા બાદ પસંદગીના ધોરણે લેવાલીથી ગ્રીનઝોનમાં આવી ગયુ હતું. પરંતુ બપોરથી ફરી આક્રમણકારી વેચવાલીનો મારો શરુ થતા મંદીમાં સરકી ગયુ હતું. વિશ્ર્વબજારોના નબળા ટ્રેન્ડ અને તહેવારો પછી અર્થતંત્રની હાલત વિશે શંકા ઉભી થવા લાગતા માનસ નબળુ પડયુ હતું. ચીન સાથે હજુ ટેન્શનભર્યો માહોલ જ હોવાના અને વિવાદ ઉકેલવા વિશે આશંકાથી પણ ટોન નબળો પડયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે છેલ્લા દસ-બાર દિવસ દરમ્યાન વન-વે તેજી થઈ હતી. મને માર્કેટ ઘણુ વધુ ગયુ હતું. એકાદ કરેકશન જરૂરીછે. તેજી માટેના લગભગ બધા કારણો આવી ગયા છે. હવે નવા કારણોની પ્રતિક્ષા કરવી પડે તેમ છે. કરેશન અથવા વર્તમાન સપાટીએ માર્કેટ અથડાતુ રહે તેમ છે. શેરબજારમાં આજે બેંકથી માંડીને મોટાભાગના ઉદ્યોગક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા. સ્ટેટ બેંક, એકસીસ બેંક, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક વગેરે તૂટયા હતા. લક્ષ્મી વિલાસ બેંકમાં સતત બીજા દિવસે 10 ટકાની ઉંધી સર્કીટ હતી. કોલ ઈન્ડીયા, રીલાયન્સ, ટેલ્કો, મારૂતી, એચડીએફસી, ઈન્ફોસીસ તૂટયા હતા. આઈટીસી, ટાઈટન, એનટીપીસી, બજાજ ફીન સર્વિસ, નેસલે, ટીસ્કો, ટીસીએસમાં સુધારો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ઉંચામાં 44230 થયા બાદ ગગડીને 43518 થઈને કુલ 533 પોઈન્ટના ગાબડાથી 43646 હતો.. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 157 પોઈન્ટ ઘટીને 12780 હતો.
સોના-ચાંદીમાં ગાબડા હતા. કોમોડીટી એકસચેંજમાં સોનુ 473 રૂપિયા ગગડીને 50000ની નીચે ઉતરી ગયુ હતું. ભાવ 49910 હતો. વિશ્ર્વબજારમાં 1860 ડોલર હતા. હાજરમાં 52000નો ભાવ હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત ભાવ ઘટાડો છે. ધનતેરસ વખતની તેજી ધોવાઈ ગઈ છે. ચાંદીનો ભાવ હાજરમાં 63300 હતો.


Related News

Loading...
Advertisement