રાજકોટ, તા.30
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર ખરા નેતા સ્વ. કેશુભાઇ પટેલને ગામડાઓથી માંડી શહેરોની અનેક સામાજિક સંસ્થાઓ રાજકીય આગેવાનો અંજલી પાઠવી રહ્યા છે, આજે તેમના માનમાં તેમના મત વિસ્તારના વિસાવદર, ભેંસાણમાં બજારો બંધ રહી હતી. સોમનાથ મંદિર આસપાસની દુકાનો બંધ રહી હતી. ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાંજલી શોકસભા યોજાઇ હતી. વિસાવદર મત વિસ્તારમાં 1995માં ધારાસભાની ચૂંટણી લડી મુખ્યમંત્રી બનનાર કેશુભાઇ પટેલના નિધનથી વિસાવદર શોકમય બંધ રહ્યું હતું. ભેંસાણ પણ બંધ રહ્યું હતું. સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે 1999થી જોડાયેલા કેશુભાઇ પટેલ સન 2004થી ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા હતા. 16 વર્ષથી અવિરત કાર્યરત રહી સેવા આપનાર સ્વ. કેશુભાઇ પટેલને લીલાવંતી ભવન ખાતે શોકસભા મળી હતી જેમાં આગેવાનોએ શ્રધ્ધાંજલી અર્પી હતી. સૌરાષ્ટ્રભરમાં અનેકવિધ સંસ્થાઓ દ્વારા સ્વ. કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ થઇ રહી છે.