વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. તે સમયે તેઓએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઇને દિવંગત નેતાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા સાથોસાથ ગાંધીનગરમાં તેઓ કનોડિયા ફેમીલીના નિવાસે પણ ગયા હતા. ગુજરાતના આ જાણીતા ફિલ્મ કલાકારબંધુઓ મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાનું થોડા દિવસના અંતરે જ કોરોના સહિતના કારણોસર નિધન થયું છે અને આ બેલડીના નિવાસસ્થાને પહોંચીને વડાપ્રધાને તેમની તસવીરોને પુષ્પાંજલી આપી હતી. બાદમાં કનોડિયા ફેમીલીના યુવા તથા ધારાસભ્ય હિતુ કનોડિયા સાથેની વાતચીતમાં વડાપ્રધાને કહ્યું કે આપના કુટુંબ પાસે આવવામાં મારે વિલંબ થયો છે તે બદલ હું દિલગીર છું. શ્રી મોદીએ મહેશ અને નરેશ કનોડિયા દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તેઓએ ગુજરાતની જનતાની જે સેવા કરી છે તેને યાદ કરીને શ્રધ્ધાંજલી આપી હતી.