કોરોના મહામારી વચ્ચે ભીડ ભેગી કરી ઘોડે સવારી કરનાર ભાજપના ધારાસભ્ય અને કિંજલ દવે સામેનો અહેવાલ આપવા માનવ અધિકાર આયોગનો આદેશ

29 October 2020 10:29 PM
Gujarat Politics
  • કોરોના મહામારી વચ્ચે ભીડ ભેગી કરી ઘોડે સવારી કરનાર ભાજપના ધારાસભ્ય અને કિંજલ દવે સામેનો અહેવાલ આપવા માનવ અધિકાર આયોગનો આદેશ

જાહેર આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવાના કૃત્ય અંગે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગને ફરિયાદ મળી હતી, સમગ્ર અહેવાલ મોકલવા બનાસકાંઠા એસપીને કર્યો હુક્મ

રાજકોટ:
કોરોના મહામારી વચ્ચે ભીડ ભેગી કરી ઘોડે સવારી કરનાર ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને પ્રખ્યાત સિંગર કિંજલ દવે સામેનો અહેવાલ આપવા બનાસકાંઠા એસપીને ગુજરાત રાજય માનવ અધિકારના આયોગે આદેશ કર્યો છે. જાહેર આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવાના કૃત્ય અંગે આયોગને ફરિયાદ મળતા આ કાર્યવાહી કરી છે.

ડીસાના ધારાસભ્ય શશિકાન્ત પંડયા તથા ગાયક કલાકાર કિંજલ દવેએ ઘોડે સવારી કરીને જાહેરમાં સરઘસ કાઢયું હતું. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમનો ભંગ થયો હતો. સંક્રમણ ફેલાવવાની ભીતિ હોવા છતાં આ પ્રકારે જાહેર આરોગ્યને નુકસાન પહોંચે તેવું ગંભીર કૃત્ય કર્યું હતું. જેથી માનવ અધિકારનું હનન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગુજરાત માનવ અધિકાર આયોગને ઇ મેઇલ મારફતે ફરિયાદ કરી છે. જેને આધારે પંચે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકને તપાસનો અહેવાલ 23મી નવેમ્બર પહેલા આયોગને પહોંચાડવા આદેશ કર્યો છે. તેમજ સમયમર્યાદામાં અહેવાલ નહીં મળે તો આયોગ આગળની કાર્યવાહી કરશે તેમ હુકમમાં જણાવાયું છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે એપેડેમિક રોગ અધિનિયમ 1993 અંતર્ગત રોગને ફેલાતો રોકવા અને નિયંત્રિત કરવા માટે પ્રજાને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે આદેશ કર્યો છે. ત્યારે ડેડોલમાં ખાતમુર્હુતનો જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ ઘોડા પર સવારી કરીને સરઘસ કાઢયું સાથે ગાયક કલાકાર કિંજલ દવેને પણ ઘોડા પર સવાર થયા હતા. બન્નેની ઉપસ્થિતિના લીધે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જેમાં સોશિયલ ડીસ્ટન્સીંગનો ખુલ્લેઆંમ ભંગ થયો હતો. જેથી ધારાસભ્ય પંડયા તેમ જ ગાયક કલાકાર કિંજલ દવે ઉપરાંત કાર્યક્રમના આયોજક સહિત જવાબદારો સામે શિક્ષાત્મક અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement