આસામમાં જેઇઇ મેન્સના ટોપરની ધરપકડ, પરીક્ષામાં પ્રોકસીને બેસાડી મેળવ્યા 99.8 ટકા

29 October 2020 07:41 PM
India
  • આસામમાં જેઇઇ મેન્સના ટોપરની ધરપકડ, પરીક્ષામાં પ્રોકસીને બેસાડી મેળવ્યા 99.8 ટકા

ટોપ કરનાર નીલ નક્ષત્ર દાસ સહિત પાંચની આસામ પોલીસે ધરપકડ કરી, ડોક્ટર પિતાએ મોટી રકમ ચૂકવી હતી

ગુવાહાટી, તા.29
તાજેતરમાં જ દેશમાં લેવાયેલી જેઇઇ મેન્સની પરીક્ષામાં ટોપર રહેનાર આસામના વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે વિદ્યાર્થી નીલ નક્ષત્ર દાસે પરીક્ષામાં તેમના સ્થાને પોકસીને બેસાડી 99.8 ટકા માર્ક મેળવ્યા હતા. આ ગેરકાયદે પ્રવૃત્તિ માટે નક્ષત્રના ડોકટર પિતાએ મોટો રકમ ચૂકવી હોવાનું પણ સામે આવ્યું છે. પિતા પુત્ર સહિત આસામ પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલો મુજબ, ગુવાહાટીના મથુરાનગરમાં રહેતા મિત્રદેવ શર્માએ તાજેતરમાં જ અઝરા પોલીસ સ્ટેશનમાં જેઇઇ મેન્સ ટોપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, જેઈઇ મેન્સ ટોપરના પિતાએ પ્રોક્સી વાપરવા માટે ઘણા પૈસા ખર્ચ કર્યા હતા.
એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જેઇઇના ટોપર નીલ નક્ષત્ર દાસે મેઇન્સની પરીક્ષામાં પરીક્ષા દીધા વગર 99.8 ટકા હાંસલ કર્યા છે. એટલે કે, નીલ એ 5 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી પરીક્ષામાં પ્રોક્સીનો ઉપયોગ કર્યો હતો. આ જ કેસમાં પિતા અને પુત્રની સાથે હમેન્દ્રનાથ સરમા, પ્રાંજલ કલિતા અને હિરાલાલ પાઠક (ગુવાહાટીમાં પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓ)ની ધરપકડ કરવામાં આવી છે. આ એફઆઈઆરના આધારે અઝરા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આઈપીસીની કલમ 120 (બી), 419, 420, 406 અને આઇટી એક્ટ આર, ડબલ્યુ 66 ડી હેઠળ ગુનો નોંધ્યો છે.
આસામ પોલીસના સીપીઆરઓ રાજીવ સાઇકિયાના જણાવ્યા અનુસાર બુધવારે આસામ પોલીસે આ મામલામાં પાંચ લોકોને ધરપકડ કરી હતી, ગુવાહાટી પોલીસ કમિશનર મુન્ના પ્રસાદ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઉમેદવારે એજન્સીની મદદથી પરીક્ષા માટેનો પ્રોક્સી ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારી તપાસ ચાલુ છે. ગુવાહાટીમાં પરીક્ષા કેન્દ્રના કર્મચારીની પણ સંડોવણી હોય શકે છે. આ ગુનામાં સામેલ તમામ લોકોને પકડવા અમે એક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ.


Related News

Loading...
Advertisement