જયેશ પટેલ ગેંગના સ્તંભ ગણાતા જાડેજા બંધુના 12 દિવસના રિમાન્ડ મંજૂર

29 October 2020 07:30 PM
Rajkot Crime
  • જયેશ પટેલ ગેંગના સ્તંભ ગણાતા જાડેજા બંધુના 12 દિવસના રિમાન્ડ મંજૂર

સૌરાષ્ટ્રની સ્પેશ્યલ ગુજસીકોટ રાજકોટની કોર્ટમાં ર0 દિ’ના રીમાન્ડની માંગણી સાથે બંને આરોપીને રજુ કરાયા હતા : છ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે

રાજકોટ, તા. ર9
સમગ્ર રાજયમાં ભારે ચકચારી બનેલા જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ ગેંગના 14 સભ્યો સામે જામનગરમાં નોંધાયેલા પ્રથમ ગુજસીકોટના ગુન્હામાં ગેંગના સ્તંભ એવી બેલડીને રાજકોટની સ્પેશ્યલ અદાલતમાં ર0 દિવસના રીમાન્ડ માટે રજુ કરવામાં આવતા બેલડીના 1ર દિવસના રીમાન્ડ અદાલતે મંજૂર કરતો હુકમ કર્યો છે.
જ્યારે અન્ય છ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા છે.
રાજયમાં ગુનાખોરીને નાથવા સરકાર દ્વારા ગુજસીકોટના કાયદોને અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે આ કાયદા હેઠળ રાજયમાં પાંચમો અને જામનગરમાં પ્રથમ કેસ જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ સહિત 14 આરોપીઓ સામે નવા કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કાયદા હેઠળ જામનગરના અગ્રણી બિલ્ડર નિલેશ મનસુખ ટોળીયા, ભાજપના કોર્પોરેટર અતુલ વિઠલ ભંડેરી, જામનગર એલસીબીમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત પોલીસમેન વશરામ ગોવિંદ મિયાત્રા, બિલ્ડર મુકેશ વલ્લભ અભંગી, અખબારી જગત સાથે સંકળાયેલા પ્રવિણ પરસોતમ ચોવટીયા, જીગર ઉર્ફે જીગી, પ્રવિણચંદ્ર આડતીયા, અનિલ મનજી પરમાર અને પ્રફુલ જયંતી પોપટની ધરપકડ કરી હતી.
જ્યારે જયેશ પટેલ ગેંગમાં સંડોવાયેલા આરોપી યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની જામનગર ક્રાઇમ બ્રાંચે જેલમાંથી કબ્જો લીધો હતો. જ્યારે નાસતો ફરતો જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થતા એએસપી નિતેષ પાંડે અને એસઓજી પીઆઇ નીનામાએ બંધુ બેલડીએ ર0 દિવસના રીમાન્ડની માંગ સાથે સૌરાષ્ટ્રની સ્પેશ્યલ ગુજસીકોટ રાજકોટની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. રીમાન્ડ અરજી સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષોની રજુઆતો અને દલીલોને ધ્યાને લઇ યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાના 1ર દિવસના રિમાન્ડ મંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે રાજકોટ જીલ્લા સરકારી વકીલ સંજય વોરા અને મદદનીશ સરકારી વકીલ સમીર ખીરા રોકાયા હતા.


Related News

Loading...
Advertisement