કેશુભાઈ હોસ્પિટલે પહોંચ્યા તે પહેલાં જ તેમની સ્થિતિ ગંભીર હતી: હાર્ટએટેક બન્યો જીવલેણ

29 October 2020 07:25 PM
Gujarat Keshubhai Patel
  • કેશુભાઈ હોસ્પિટલે પહોંચ્યા તે પહેલાં જ તેમની સ્થિતિ ગંભીર હતી: હાર્ટએટેક બન્યો જીવલેણ

એમ્બ્યુલન્સમાં જ તેમની તબિયત બગડી હતી: કોરોનાને હરાવ્યા બાદ કેશુભાઈને શ્ર્વાસ લેવામાં વારંવાર તકલીફ થતી હતી

રાજકોટ, તા.29
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કદ્દાવર રાજકીય નેતા કેશુભાઈ પટેલનું આજે 93 વર્ષની વયે નિધન થયું છે. જો કે તેમના નિધન બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે કોરોનાને કારણે તેઓ અવસાન પામ્યા છે ત્યારે જ્યાં કેશુભાઈની સારવાર કરવામાં આવી હતી તે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કેશુભાઈનું નિધન કોરોનાને કારણે નહીં બલ્કે હાર્ટએટેકને કારણે થયું છે. તેઓ હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ તેમની તબિયત ઘણી બગડી ગઈ હતી અને ખાસ કરીને એમ્બ્યુલન્સમાં તેમની તબિયત વધુ પડતી બગડી ગઈ હતી. જો કે ડોક્ટરોએ તેમને તાત્કાલિક સારવાર આપી હતી પરંતુ તેની કોઈ અસર થવા પામી નહોતી.
આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલના વાઈસ પ્રેસિડેન્ટ નમિષા ગાંધીએ જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલે કોરોનાને હરાવી દીધો હતો પરંતુ આ પછી તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. દરમિયાન આજે પણ તેમને શ્ર્વાસ લેવામાં વારંવાર અડચણ ઉભી જતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમને હાર્ટએટેક આવી જતાં તબિયન વધુ બગડી હતી. આ જ સ્થિતિમાં તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમની સારવાર કરવાનું શરૂ કર્યું હતું પરંતુ સારવાર દરમિયાન જ તેમણે પ્રાણ છોડી દીધા હતા. એકંદરે કાર્ડિયાક અરેસ્ટ મતલબ કે હાર્ટએટેકને કારણે જ કેશુભાઈ પટેલે દુનિયાને અલવિદા કહ્યું હતું. આ સાથે જ કેશુભાઈનું નિધન કોરોનાને કારણે થયું હોવાની અટકળ ઉપર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.


Related News

Loading...
Advertisement