ધારાસભ્યો-સંસદ સભ્યોની બે વર્ષ સુધી ગ્રાન્ટ બંધ: તમામ ભંડોળ કોરોનાના હેડમાં ડાયવર્ટ કરી દેવાયું

29 October 2020 07:17 PM
Rajkot
  • ધારાસભ્યો-સંસદ સભ્યોની બે વર્ષ સુધી ગ્રાન્ટ  બંધ: તમામ ભંડોળ કોરોનાના હેડમાં ડાયવર્ટ કરી દેવાયું

રાજય-કેન્દ્ર સરકારનો નિર્ણય : કોરોનાને પ્રથમ પ્રાયોરીટી આપવી : વિકાસકામો માટે ધારાસભ્યને વર્ષ 1.50 કરોડ અને સાંસદોને વર્ષના પાંચ કરોડ ફાળવતી સરકારે તમામ રકમ કોરોનામાં વાપરી

રાજકોટ તા.29
રાજકોટ શહેર-જિલ્લા ઉપરાંત રાજયભરના તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોને પોતાના વિસ્તારમાં વિકાસ કામો માટે સરકાર દ્વારા ધારાસભ્યને દર વર્ષે 1.50 કરોડ તથા સંસદ સભ્યને દર વર્ષના પાંચ કરોડનું ભંડોળ ફાળવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારી સામે લડવા માટે રાજય અને કેન્દ્ર સરકારે પ્રજાના પ્રતિનિધિઓને દર વર્ષે અપાતી ગ્રાન્ટ બે વર્ષ સુધી સસ્પેન્ડ કરી ધારાસભ્યો-સંસદ સભ્યોની તમામ ગ્રાન્ટ કોરોના મહામારી સામે લડવા માટેના ખર્ચમાં ફાળવી દેતો હુકમ કર્યો હોવાનું રાજય સરકારના આરોગ્ય ખાતાએ જણાવ્યું છે. રાજકોટ શહેર-જિલ્લામાં ધારાસભ્યો-સંસદ સભ્યોને પોતાના વિસ્તારમાં રોડ, લાઇટ, ગટર, પાણી ઉપરાંત હોસ્પિટલો, સ્મશાન છાપરી સહિતના અનેક વિકાસ કામો કરવા કેન્દ્ર અને રાજય સરકાર વર્ષોથી વિકાસ કામોની ગ્રાન્ટ દર વર્ષે ફાળવે છે. ધારાસભ્યો-સંસદ સભ્યો આ ગ્રાન્ટમાંથી પોતાના વિસ્તારમાં વિકાસ કામો કરે છે. વિકાસ કામો કરવા માટેની યાદી ધારાસભ્યો-સંસદ સભ્યો સરકારને આપે છે તે મુજબના કામોનું આયોજન સરકાર કરે છે. આ વર્ષે માર્ચ મહિનાથી કોરોના વાઇરસ ત્રાટકતા અને બાદમાં મહામારી બની જતાં કરોડો રૂપિયાના ખર્ચ સરકારે કર્યો છે. સરકારનું આરોગ્ય બજેટ વેર-વિખેર થઇ ગયું છે. આવા કપરા સંજોગોમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારે તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોને દર વર્ષે અપાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોરોના હેડમાં ફાળવી દેવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2019-20 તથા 2020-21ની તમામ ગ્રાન્ટ સરકારે કોરોના મહામારી સામેના ખર્ચમાં વાપરી હોવાનું અને વિકાસ કામો નહી મહામારી સામે લડવા નાણા વાપર્યા હોવાનું જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement