કેશુભાઈની રાજકીય કેરિયર: 1945માં સંઘના પ્રચારક, 1960માં જનસંઘના સ્થાપક સભ્ય, 1977માં સૌપ્રથમ રાજકોટથી જીત્યા હતા

29 October 2020 07:08 PM
Gujarat Keshubhai Patel
  • કેશુભાઈની રાજકીય કેરિયર: 1945માં સંઘના પ્રચારક, 1960માં જનસંઘના સ્થાપક સભ્ય, 1977માં સૌપ્રથમ રાજકોટથી જીત્યા હતા

1978 થી 1980માં પ્રથમ વખત કૃષિપ્રધાન બન્યા હતા :14 માર્ચ 1995ના રોજ પ્રથમ વખત ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા હતા

રાજકોટ તા.29
ભાજપને ગુજરાતમાં સતાસ્થાને પહોંચાડવામાં સિંહફાળો છે અને લેઉવા પટેલ સમાજના ધરખમ નેતા કેશુભાઈ પટેલ જનસંઘના સ્થાપક સભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.
24 જુલાઈ 2928ના રોજ જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં જન્મેલા કેશુભાઈ પટેલ 1945માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા અને જનસંઘમાં કાર્યકર તરીકે સામેલ થઈને રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.


દેશમા કટોકટીકાળ વખતે જેલવાસ ભોગવી ચૂકેલા કેશુભાઈ પટેલ સૌપ્રથમ વખત 1977માં રાજકોટની લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ત્યારબાદ રાજીનામુ આપ્યુ હતું અને ગુજરાતમાં બાબુભાઈ પટેલ જનતા મોરચાની સરકારમાં કૃષિપ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા. 1978થી 1980 સુધી કૃષિપ્રધાન હતા. 1979માં મોરબીને ખેદાન મેદાન કરી નાખનાર મચ્છુ હોનારત વખતે રાહત કાર્યોમાં અગ્રેસર રહ્યા હતા.


1978 થી 1995ના વર્ષોમાં તેઓએ કાલાવડ, ગોંડલ તથા વિસાવદરમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. 1980માં જનસંઘના વિસર્જન પછી ભારતીય જનતા પાર્ટીના સીનીયર નેતા બન્યા હતા.
4 માર્ચ 1990થી 25 ઓકટોબર 1990 સુધી ચીમનભાઈ પટેલની સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા. 1995ની વિધાનસભા ચૂંટણીમાં નેતૃત્વ કરીને ભાજપને જીત અપાવી હતી.


14 માર્ચ 1995ના રોજ તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ સાત મહીના બાદ શંકરસિંહ વાઘેલાના બળવાથી રાજીનામુ આપવું પડયું હતું. સુરેશ મહેતા, તેમના અનુગામી બન્યા હતા. ભાજપનું વિભાજન થયુ હતું. શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીનું ગઠન કર્યુ હતું. કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી. 1998માં કોંગ્રેસે સમર્થન પાછુ ખેંચી લેતા વિધાનસભાનું વિસર્જન થયું હતું. 1998માં નવી ચૂંટણી થઈ હતી અને તેમાં ફરી કેશુભાઈ પટેલે ભાજપને જીત અપાવ્યા બાદ 4 માર્ચ 1958ના રોજ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.


2 ઓકટોબર 2001ના રોજ નાદુરસ્ત તબીયતને કારણે રાજીનામુ આપ્યુ હતું. જો કે, આ વખતે કચ્છના ભૂકંપ પછી પુનવર્સનકામમાં ભ્રષ્ટાચાર પેટાચૂંટણીમાં હાર નબળી કામગીરી જેવા આક્ષેપો પણ થયા હતા. કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન સોંપવામાં આવ્યુ હતું. 2002માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડયા ન હતા. જો કે આ જ વર્ષે તેઓને રાજયસભામાં બીનહરીફ ચુંટાયા હતા.
2007માં પટેલ સમાજમાં પરિવર્તનો સૂર ઉઠયો હતો. કેશુભાઈ સમાજને આશિર્વાદ આપ્યા હતા. તેઓએ મતદાન પણ કર્યુ ન હતું. જો કે, મોદીના નેતૃત્વમાં ભાજપની જ જીત થઈ હતી.
4 ઓગષ્ટ 2012નાં રોજ ભાજપમાંથી રાજીનામુ આપીને ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી હતી. વિસાવદર બેઠક પરથી તેઓ જીત્યા હતા.
જાન્યુઆરી 2014માં તેઓએ જીપીપીનું પ્રમુખપદ છોડયુ હતું. 13 ફેબ્રુઆરી 2014ના રોજ વિધાનસભામાંથી પણ રાજીનામુ આપ્યુ હતું. 24 ફેબ્રુઆરી 2014ના રોજ જીપીપીનું ભાજપમાં મર્જર કર્યુ હતું.Related News

Loading...
Advertisement