એ સમયે જનસંઘમાં કોઇ પટેલ ન હોતું એટલે કેશુભાઇની અટક દેસાઇના સ્થાને પટેલ થઇ: યાદગાર સંસ્મરણો

29 October 2020 06:54 PM
Rajkot Gujarat
  • એ સમયે જનસંઘમાં કોઇ પટેલ ન હોતું એટલે કેશુભાઇની અટક દેસાઇના સ્થાને પટેલ થઇ: યાદગાર સંસ્મરણો

વિહિપના પૂર્વ મહામંત્રી ભૂપતભાઇ દવે વર્ણવે છે અતીતની કહાની : જનસંઘ-આરએસએસને જનસમાજમાં લાવવામાં ચીમનભાઇ શુકલ, કેશુભાઇ પટેલ તથા અરવિંદભાઇ મણિયારની અહમ ભૂમિકા: કેશુભાઇ જમનભાઇ પાનવાળાનું બનારસી પાન ખાતા

રાજકોટ, તા.29
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથેના યાદગાર સંભારણા વિહિપના પૂર્વ મહામંત્રી ભૂપતભાઇ દવેએ ‘સાંજ સમાચાર’ સમક્ષ વર્ણવતા જણાવ્યું કે કેશુભાઇ એ સમયે હાથીખાના ચોકમાં રહેતા હતા. બે માળનું મકાન હતું, નીચેના ભાગમાં ઘઉંની ગુણીઓ રહેતી, મારુ રહેવાનું પણ બાજુમાં જ હતું. મારી ઉંમર હાલ 75ની છે પણ ત્યારે તો ખુબ જ નાનો હોવાથી વડીલો કામ ચીંધતા તે અનુસાર હું કેશુભાઇ માટે જમનભાઇ પાનવાળાને ત્યાંથી પાન લઇ આવતો. તેઓ બનારસી 120 કીમામવાળુ પાન ખાતા હતાં.

દવેએ જણાવ્યું કે તે વખતે સ્વ. ચીમનભાઇ શુકલને ત્યાં મોટર સાયકલ હતું અને બધા ચાલીને આવન-જાવન કરતાં. કેશુભાઇ પગપાળા ચાલીને જતા ત્યારબાદ તેઓ સાયકલ પર જવા લાગ્યા હતા. તેમની પાસેથી શિસ્ત પાલનના પાઠ મળ્યા. તેઓ જનસંઘની શિબિરોમાં માર્ગદર્શન આપતા. એ વખતે મારે અચૂક હાજરી આપવાની રહેતી. તેઓ મુખ્યમંત્રી બન્યા પછી પણ મળવાનું રહ્યું હતું, રાજકોટ આવે ત્યારે અચુક એક મુલાકાત તો થતી જ. તેમણે જણાવ્યું કે કેશુભાઇએ જનસંઘ-આરએસએસ માટે ખુબ જ ખંતથી કામ કર્યું છે. તેઓ સાયકલ ઉપર ગામડે ગામડા ખુંદી વળતા હતાં.

તેમણે જણાવ્યું કે ચીમનભાઇ શુકલની ઓફિસ (લોધાવાડ)માં 30 વર્ષ સુધી કેશુબાપાની તસ્વીર રહી હતી. ચીમનભાઇ, કેશુભાઇ અને અરવિંદભાઇની ત્રિપુટી હતી. આ ત્રણેય અગ્રણીઓએ જનસંઘ અને આર.એસ.એસ.ને જનસમાજમાં લાવવામાં પાયાના પથ્થર સમાન હતા. તેમણે કહ્યું કે, કેશુભાઇ સવદાસભાઇ પટેલની અટક દેસાઇ છે પરંતુ તે વખતે જનસંઘમાં કોઇ પટેલ નહોતું એટલે કેશુભાઇ પટેલ તરીકે ઓળખાવા લાગ્યા. તેમના દેહ વિલયથી ગુજરાતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.


Related News

Loading...
Advertisement