મનપામાં પ્રમોશનનો સૌથી મોટો ઘાણવો: 95 જુ.કલાર્કને સીનીયર કલાર્કની બઢતી

29 October 2020 06:24 PM
Rajkot
  • મનપામાં પ્રમોશનનો સૌથી મોટો ઘાણવો: 95 જુ.કલાર્કને સીનીયર કલાર્કની બઢતી

10 કર્મચારીએ હજુ હિન્દી પરીક્ષા પાસ કરી નથી : હુકમો કોર્ટના ચુકાદાને આધીન! : 35 ગુણવાળાને પણ સમાવી લેવાના સુધારા બાદ કર્મચારીઓની દિવાળી સુધારી દેતા કમિશ્નર

રાજકોટ, તા.29
રાજકોટ મહાપાલિકામાં કદાચ સૌપ્રથમ વખત પ્રમોશનનો સૌથી મોટો ઘાણવો નીકળ્યો છે. ગઇકાલે કમિશ્નર ઉદિત અગ્રવાલે 9પ જેટલા જુનીયર કલાર્કને સીનીયર કલાર્કના પ્રમોશન આપીને કર્મચારીઓને એડવાન્સ દિવાળી ગીફટ આપી છે. મહાપાલિકામાં સીનીયર કલાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ જુનીયર કલાર્ક કેડરમાંથી બઢતીથી ભરવા ખાતાકીય પરીક્ષા લેવામાં આવી હતી.

જે તે સમયે 50 ગુણની લાયકાત નકકી કરવામાં આવી હતી. પરંતુ અનેક સીનીયર ઓછા માર્કના કારણે લાયકાતમાંથી બહાર નીકળી જતા હોય, યુનિયને રજુઆતો કરી હતી. અનુભવના આધારે પણ આ જગ્યા ભરવા માંગણી કરવામાં આવી હતી. બાદમાં પાસીંગ અને બઢતી માટે 35 ગુણની લાયકાત નકકી કરાઇ હતી.કમિશ્નરે આ અંગે દરખાસ્ત મોકલતા જનરલ બોર્ડે સુધારો કર્યો હતો.

આ બાદ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમીટીની મીટીંગ તા.12-10ના રોજ મળી હતી જેમાં સીનીયોરીટી લીસ્ટમાં અગ્રતાક્રમે આવતા 95 જુનીયર કલાર્કને સીનીયર કલાર્ક સંવર્ગમાં સાતમા પગાર પંચ મુજબ સ્કેલ રૂા. 22500-81100ના ધોરણે પ્રમોશન આપવા હુકમ કરવામાં આવ્યો છે. અમુક કર્મચારીઓને પ્રમોશન સાથે અન્ય શાખામાં પણ બદલવામાં આવ્યા છે. બિનઅનામત, અનુ.જાતિ, સા.શૈ.પછાત વગેરે કેટેગરીમાં આ પ્રમોશન અપાયા છે.

કોર્પો.ની લગભગ તમામ શાખામાં આ લાભ કર્મચારીઓને મળ્યો છે. સાત દિવસમાં કર્મચારીઓને નવી ફરજ પર હાજર થવા સુચના આપવામાં આવી છે. જોકે 10 કર્મચારીએ હિન્દી પરીક્ષા પાસ કરી ન હોય, તા.21-1-21 સુધીમાં આ પરીક્ષા પાસ કરવાની શરતે પણ પ્રમોશન આપવામાં આવ્યા છે અને કોર્ટના ચુકાદાને આધીન હુકમ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement