પોલીસનો ડર : ભૂપતના મળાતીયા બારોબાર સમાધાન કરવા લાગ્યા

29 October 2020 06:17 PM
Rajkot Crime
  • પોલીસનો ડર : ભૂપતના મળાતીયા બારોબાર સમાધાન કરવા લાગ્યા

ભય વિના પ્રીત નથી ઉકિત સાર્થક થતી દેખાઇ : પોલીસે ભૂપત અને તેના સાથીદારો સામે આકરા તેવર કરતા માથાભારે શખ્સની ટોળકીના શૂર બદલાયા : બારોબાર ત્રણેક સમાધાન થઇ ગયાની પણ ભારે ચર્ચા : ધમકીની ભાષામાં વાત કરવા ટેવાયેલા હવે પોલીસ પાસે ન જવા સમાધાન કરી લેવા કાકલુદી કરવા લાગ્યા

રાજકોટ તા.29
સામાકાંઠા વિસ્તારમાં જગમાલ નામની ઓફીસ ધરાવતા ભૂપત ભરવાડ સામે પોલીસે આકરી કાર્યવાહી શરૂ કરી એક બાદ એક ગુના નોંધવાનું અને અરજી અંગે તપાસનો ધમધમાટ ચાલુ કરતા ભૂપતના સાથીદારો અને મળતીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આધારભૂત સુત્રોમાંથી એવી પણ વાતો જણાવા મળી રહી છે કે, ભૂપતના અન્ય પ્રકરણો પોલીસ સુધી ન પહોંચે તે માટે બારોબાર સમાધાન થવા લાગ્યા છે.ભૂપતના મળતીયાઓ સામેથી ભોગ બનારનાઓનો સંપર્ક કરી તેમની સાથે સમાધાન કરવા લાગ્યા છે.આવા ત્રણેક સમાધાન થઈ ગયાનું ભારે ચર્ચાઈ રહ્યું છે.

અગાઉ ફ્રૂટનો ધંધાર્થી તરીકે ઓળખાતા ભૂપત ભરવાડે કેટકાલ ચોક્કસ વગધારી લોકોની ઓથ અને કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારી સાથેના નજીકના સબંધના લીધે ભૂપતે જમીન ગેરકાયદે કબ્જા કરવા,હવાલા લેવા સહિતની બાબતોમાં મહારથ પ્રાપ્ત કરી સામાકાંઠા વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું હતું. અને કાયદાની પરવાહ કર્યા વગર બેફામ ગેરકાનૂની પ્રવૃતિઓ આચરવા લાગ્યો હતો.છતાં પોલીસનું વલણ તેના પ્રત્યે સોફ્ટ’ રહેતા આ બબાતે પોલીસની કાર્યશૈલી સામે ભારે પ્રશ્નો ઉભા કર્યાં હતાં.

પરંતુ છેલ્લા થોડા દિવસોથી સમીકરણો બદલાયા હોઈ તેમ ભૂપત અને તેના સાથીદારો સામે પોલીસે આકરા તેવર કરી તેની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.ભૂપત સામે ત્રણ ગુના અને અલગ અલગ ચાર ફરિયાદ અરજી આવી હોય તે અંગે પોલીસ કડક તપાસ ચલાવી રહી હોય પોલીસના આ બદલાયેલા વલણથી ભૂપતના સાથીદારો અને મળતીયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આધારભૂત સુત્રોમાંથી એવી વાત જણાવા મળી હતી કે, ભૂપત અને તેની ટોળકી દ્વાર જેમની જમીન કે પ્લોટ પચાવી લીધા કે કોઈની સાથે જમીન કે અન્ય કોઈપણ વહીવટમાં છેતરપિંડી- વિશ્વાસઘાત કર્યો હોય તેવા અરજદારો પોલીસ સુધી પહોંચે તે પૂર્વે ભૂપતના મળતીયાઓ સામેથી તેમનો સંપર્ક કરી તેમની રકમ ચૂકવવા સહિતની ખાતરી આપી કાયદેસર કાકલૂદી કરી કેમ પણ કરીને સમાધાન કરી લેવા સમજાવવી રહ્યા છે.અને પોલીસ સુધી ન જવા માટે રીતસર વિનંતી કરી રહ્યાનું જાણવા મળ્યું છે. તેટલું જ નહીં આ પ્રકારે ત્રણેક સમાધાન થઈ પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્દોરના નામચીન જીતુ સોનીને આશરો આપવામાં ભૂપતનું નામ સામે આવ્યા બાદ તેની સામે પોલીસ હવે કોઈપણ સેહશરમ રાખ્યા વગર આકરી કાર્યવાહી કરશે તેવું મનાઈ રહ્યું હતું.પણ આ ઘટના બાદ તુરંત તો કંઈ ન થયું પણ ઓચિંતા ભૂપત સામે પોલીસે લાલઆંખ કરી અને તેના તથા તેના સાથીદારો સામે કઠોર કાર્યવાહી શરૂ કરી છે આ પાછળનું કારણ તો હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી.પણ કારણ જે હોઈ તે હાલ ભૂપત અને તેની ટોળકી સામે જે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના લીધે આ ટોળકીનો ભોગ બનનારાઓને હવે ન્યાયની આશા જાગી છે.


Related News

Loading...
Advertisement