ભૂ-માફિયા જયેશ પટેલના સાત સાગરિતોને રાજકોટની અદાલતમાં રજૂ કરાયા

29 October 2020 05:50 PM
Jamnagar Crime
  • ભૂ-માફિયા જયેશ પટેલના સાત સાગરિતોને રાજકોટની અદાલતમાં રજૂ કરાયા
  • ભૂ-માફિયા જયેશ પટેલના સાત સાગરિતોને રાજકોટની અદાલતમાં રજૂ કરાયા
  • ભૂ-માફિયા જયેશ પટેલના સાત સાગરિતોને રાજકોટની અદાલતમાં રજૂ કરાયા
  • ભૂ-માફિયા જયેશ પટેલના સાત સાગરિતોને રાજકોટની અદાલતમાં રજૂ કરાયા

જયેશ પટેલનો કથિત કાળો કારોબાર સંભાળતા યશપાલસિંહ અને જશપાલસિંહ જાડેજાને રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ: એક ભાઇ સામેથી હાજર થયો અન્યનો જેલમાંથી કબ્જો સંભાળવામાં આવ્યો: અન્ય છ આરોપીઓને ફરીથી રિમાન્ડ પર લેવા રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં જામનગર પોલીસ દ્વારા કરાઇ માંગણી

જામનગર તા.29
જામનગરમાં કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ગુનાહિત કારનામાઓ અને સામ્રાજ્યને ઢેર કરવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશન હેઠળ જયેશ પટેલ સહિતના 14 શખ્સો સામે નોંધાયેલ ગુજસીટોક અંતર્ગતની ફરિયાદ બાદ પોલીસે વધુ બે આરોપીઓની બુધવારે ધરપકડ કરી છે. બન્ને ક્ષત્રિય બંધુઓ આરોપી જયેશ પટેલ સાથે નિકટનો સંબંધ ધરાવતા હોવાની જામનગર શહેરના જમીન કૌભાંડના વ્યવહારો કરતા હોવાનો આ બન્ને પર આરોપ છે. આજે બન્ને શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરી છે. બીજી તરફ પોલીસે અગાઉ ધરપકડ કરેલ પાંચ શખ્સોને પણ આજે રિમાન્ડ પૂર્ણ થતાં ફરીથી કોર્ટમાં રજૂ કર્યા છે.

જામનગરમાં જયેશ પટેલના વધતા જતાં ગુનાહિત ઇતિહાસને ભૂંસી નાખવા માટે પોલીસ દ્વારા સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં જયેશની સાથે મળી ક્રિમિનલ ઇતિહાસ ધરાવતા શખ્સો ગુન્હાઓને અંજામ આપતા હતાં તેઓને પકડી લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ જયેશ સાથે પરોક્ષ રીતે સંબંધ ધરાવતા હતાં અને જમીન કૌભાંડ, ખંડણી, કાયદાકીય અને પોલીસ ખાતામાં મદદ કરનાર વ્હાઇટ કોલર સાગ્રીતોની પોલીસે ધરપકડ કરી ગુજસીટોક કાયદા હેઠળ ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદમાના આઠ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતાં.

જેમાં શહેરના જાણીતા બિલ્ડર નિલેશ ટોલિયા, ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, જયેશ પટેલના અખબારનું સંચાલન કરતા પ્રવિણ ચોવટિયા, જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલ પરમાર, ફોરેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા જીગર ઉર્ફે જીમ્મી આડતિયા, બિલ્ડર પ્રફુલ પોપટ, બિલ્ડર મુકેશ અભંગી નામના આઠેય શખ્સોની ધરપકડ બાદ પોલીસે રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધા હતાં જ્યારે જશપાલસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વી.એલ.માનસતા, રમેશ અભંગીના નામ કોર્ટમાં જાહેર કરવામાં આવ્યા હતાં. બીજી તરફ બિલ્ડર મુકેશ અભંગી, પ્રફુલ પોપટ અને જીગરના રિમાન્ડ પૂર્ણ થતાં ફરીથી કોર્ટમાં રજૂ કરી મુકેશ અભંગીને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. દરમિયાન ગુરૂવારે અન્ય પાંચ વ્હાઇટ કોલર આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ તજવીજ પૂર્વે બુધવારે સાંજે આ પ્રકરણમાં સંડોવાયેલા અને જયેશના પ્રથમ હરોળના સાગ્રીત કહી શકાય એવા જામનગરના જ જેલમાં રહેલાં જશપાલસિંહ જાડેજાનો કબ્જો સંભાળ્યો છે જ્યારે તેના જ ભાઇ યશપાલસિંહએ પોલીસમાં સરેન્ડર કરતા તેની ધરપકડ કરવામાં આવી છે.


જ્યારે બિલ્ડર નિલેશ ટોલિયા, વસરામ આહીર સહિતના પાંચ શખ્સોની પણ રિમાન્ડ પૂર્ણ થતાં આજે ક્ષત્રિય બંધુ સહિતના સાતેય સાગ્રીતોને પોલીસ સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કર્યા છે. આ પાંચેય આરોપીઓના ફરીથી રિમાન્ડ માંગવામાં આવશે. જ્યારે બુધવારે પકડાયેલા ક્ષત્રિય બંધુઓના 10 થી 12 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. બન્ને બંધુઓ જયેશ પટેલ સાથે અત્યંત નિકટતા ધરાવતા હોવાની પોલીસને આશંકા હોવાથી આ બન્ને શખ્સોની પૂછપરછમાં વધુ સ્ફોટક વિગતો સામે આવશે તેમ પણ આશાવાદ સેવવામાં આવી રહ્યો છે.


Related News

Loading...
Advertisement