ભાજપને 1995માં પૂર્ણ બહુમતિ સાથે સત્તા પર લાવનાર કેશુભાઈ પહેલા શંકરસિંહ વાઘેલાના બળવાનો ભોગ બન્યા અને બાદમાં ભૂકંપના કારણે ગાદી છીનવાઈ ગઇ

29 October 2020 05:46 PM
Gujarat Keshubhai Patel
  • ભાજપને 1995માં પૂર્ણ બહુમતિ સાથે સત્તા પર લાવનાર કેશુભાઈ પહેલા શંકરસિંહ વાઘેલાના બળવાનો ભોગ બન્યા અને બાદમાં ભૂકંપના કારણે ગાદી છીનવાઈ ગઇ

એક સમયે શંકરસિંહ સામે મુખ્યમંત્રી પદ માટે કેશુભાઈને પીઠબળ આપનાર નરેન્દ્ર મોદી 2001માં ‘બાપા’ના સ્થાને મુખ્યમંત્રી બન્યા

રાજકોટ,તા. 29
આજે ચિરવિદાય લેનાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નેતૃત્વમાં 1995માં ભાજપે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં 182 બેઠકોમાંથી 121 બેઠકો કબજે કરીને પૂર્ણ બહુમતિ સાથે સતા મેળવી હતી અને તે સમયે શ્રી કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવાની હીલચાલ સામે તેમના જ એક સાથીદાર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો. પરંતુ વર્તમાન વડાપ્રધાન અને તે સમયે ભાજપના સંગઠનનું કામકાજ સંભાળતા નરેન્દ્ર મોદીએ બાપાના તરફેણમાં વજન મુક્યું હતું અને કેશુભાઈ સરકાર રચાઈ હતી. જો કે કેશુભાઈ સરકારની સ્થાપનાના થોડા સમયમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને ભાજપમાં જબરું ભંગાણ પડાવ્યું અને કેશુભાઈ તે સમયે અમેરિકાના પ્રવાસે હતા. અને શંકરસિંહના બળવાને કારણે કેશુભાઈ સરકારનું પતન થયું હતું. સપ્ટેમ્બર 1995માં વાઘેલાના બળવાને કારણે કેશુભાઇના સ્થાને વાઘેલાના વફાદાર સુરેશ મહેતાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્થાપવાની ભાજપને ફરજ પડી હતી. પરંતુ વાઘેલા માટે અન્ય કોઇ મુખ્યમંત્રી સ્વીકાર્ય ન હતા. 21 ઓક્ટોબર 1995ના સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા પરંતુ 1996માં શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત બળવો કરીને ભાજપના 121 ધારાસભ્યોમાંથી 48ને પોતાની સાથે રાખી ગાંધીનગરમાં ખળભળાટ મચાવી દીધો હતો. તથા બાદમાં આ ધારાસભ્યો ખજુરાહો લઇ ગયા તે સમયની મધ્યપ્રદેશની દિગ્વીજયસિંહ સરકારે ભાજપના આ બળવાને ખજુરાહો કાંડ તરીકે ઓળખવામાં આવ્યો હતો. અને જે મૂળ ભાજપમાં રહી તેમને હજુરિયા તરીકે અને શંકરસિંહ વાઘેલા સાથે ગયેલાને ખજુરિયા તરીકે ગણાવ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની મદદથી સરકાર બનાવી હતી અને ખુદ વાઘેલા મુખ્યમંત્રી બન્યા હતા. જો કે આ સરકાર કદી સ્થિર રહી નહીં અને 1998માં ફરી ભાજપ સત્તા પર આવ્યું અને 4 માર્ચ 1998ના મુખ્યમંત્રી પદે ફરી કેશુભાઈ પટેલ આવ્યા હતા પરંતુ 2001ના ભૂકંપે કેશુભાઈની ગાદી હચમચાવી અને તેમને રાજીનામું આપવું પડયું હતું.


Related News

Loading...
Advertisement