રાજકોટમાં ઉદ્યોગો-ખેતી-હાઉસિંગ સેકટરને 16190 કરોડનું ધિરાણ આપવાનો ટાર્ગેટ

29 October 2020 05:37 PM
Rajkot
  • રાજકોટમાં ઉદ્યોગો-ખેતી-હાઉસિંગ સેકટરને 16190 કરોડનું ધિરાણ આપવાનો ટાર્ગેટ

રાષ્ટ્રિય-ખાનગી બેન્કોને પોટેન્સીયલ લિંક ક્રેડિટ પ્લાન હેઠળ લોન આપવા લીડ બેન્ક મેનેજરને સુચના

રાજકોટ તા.29
રાજકોટમાં લઘુ-મધ્યમ ઉધોગો-ખેતીવાડી-હાઉસીંગ સેકટર સહીતના ઉધોગોમાં પ્રાણ ફુંકવા નાબાર્ડ તેમજ લીડ બેન્ક દ્વારા વર્ષ 2021-22 માટે 16190 કરોડનો ટાર્ગેટ નકકી કરવામાં આવ્યો છે.

ગઇકાલે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પોટેન્સીયલ લિંક ક્રેડીટ પ્લાનને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ધિરાણ આપવા માટે રાષ્ટ્રિયકૃત-ખાનગી બેન્કોને સુચના કરવામાં આવી હોવાનું અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાએ જણાવ્યુ હતુ. રાજકોટમાં ખેતી-ઉધોગો-હાઉસીંગ સેકટરને ધમધમતા કરવા નાબાર્ડ-લીડ બેન્ક મેનેજરોની મળેલી બેઠકમાં એન્યુઅલ ક્રેડિટ પ્લાન અમલીકરણની ચર્ચા થઇ હતી.

ગત વર્ષે 11040 કરોડના ધિરાણમાં આ વખતે 46 ટકાનો વધારો કરી 16190 કરોડના ધિરાણનો ટાર્ગેટ અપાયો છે. ગઇકાલે નાબાર્ડ-લીડ બેન્ક મેનેજરની મળેલી બેઠકમાં ચર્ચા પુર્વે તત્કાલિન લીડ બેન્ક મેનેજર ઠાકરનું કોરોનાથી મૃત્યુ થતા શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. રાજકોટ શહેર-જિલ્લામાં નાબાર્ડના અધિકારી મહેશ પટાટે ઉપસ્થિત રહયા હતા. ઉધોગો ઉપરાંત ખેતી-હાઉસીંગ પ્રોજેકટોને બુસ્ટર ડોઝ આપવા માટે પોટેન્સીયલ લીંક ક્રેડિટ પ્લાન અમલી કરવા નકકી કરાયુ છે.

આ ધિરાણ યોજના મામલે કેન્દ્ર સરકારની માનવ ગરિમા યોજનાને પણ આવરી લઇ ધિરાણ વધુ આપવા લક્ષ્યાંકો આપી દેવામાં આવ્યા છે. દરમ્યાન રાષ્ટ્રિયકૃત તમામ બેન્કો ઉપરાંત આઇ.સી.આઇ.સી.આઇ., ખાનગી તમામ બેન્કોને વધારાના લક્ષ્યાંક આપી ઉધોગો-ખેતી-હાઉસીંગ સેકટરને વધુ પ્રોત્સાહન આપી માનવ રોજગારીની વધુ તકો ઉભી કરવા માટેની પણ વિસ્તૃત ચર્ચા કરી આ ધિરાણ યોજના શરૂ કરવાનું નકકી કરાયું છે.


Related News

Loading...
Advertisement