મોરબીમાં કળીયુગનાં શ્રવણે પિતાને પાવડા વડે માર માર્યો

29 October 2020 03:08 PM
Morbi
  • મોરબીમાં કળીયુગનાં શ્રવણે પિતાને પાવડા વડે માર માર્યો

શનાળા રોડ પર બાઇક સ્લીપ થતા મહિલાને ઇજા : સારવારમાં

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.29
મોરબીના લીલાપર રોડ મચ્છુ-2 ડેમની પાસે આવેલા નવાગામ (લખધીરનગર) ખાતે રહેતા ખાનાભાઈ શામજીભાઇ ચૌહાણ નામના 60 વર્ષના વૃદ્ધ લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાસે ધનજીભાઈના નળીયાના કારખાના પાસે હતા ત્યારે ત્યાં તેમના જ પુત્ર ડાહ્યાભાઇ ખાનાભાઈ ચૌહાણે માર માર્યો હતો જેથી કરીને ખાનાભાઈ ચૌહાણને સારવાર માટે લઈ જવાયા હતા. સારવાર લીધા બાદ ખાનાભાઈ ચૌહાણે પોતાના પુત્ર ડાહ્યાભાઇ ચૌહાણ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા પંચાસર ગામે રહેતી તેમની ભાણેજ વહુને તેમનો પુત્ર ડાહ્યાભાઇ ભગાડીને લઈ ગયો હતો જેથી કરીને તેની પાસેથી ભાણેજ વહુને લઈને તેણીના સગા-સંબંધીઓને સોંપી આપી હતી તે વાતનું મનમાં દુ:ખ રોષ રાખીને પુત્ર ડાયાભાઇએ તેમના ઉપર લાકડાના પાવડાના હાથા વડે હુમલો કર્યો હતો અને ફેક્ચર જેવી ઈજા પહોંચાડી હતી.જેથી કળીયુગની પ્રતિતિ કરાવતા બનાવમાં પિતાને માર મારનાર પુત્ર ડાયાભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ વી.કે.ગોંડલીયાએ આગળની તપાસ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના શનાળા રોડ ઉપર રહેતા ઉર્મિલાબેન વસંતભાઈ પોપટ નામની 48 વર્ષીય મહિલા પીજી કલોક પાસે આવેલ શિવમ સોસાયટીમાંથી બાઈકમાં બેસીને પસાર થઇ રહ્યા હતા ત્યારે ગોળાઇમાં બાઈક સ્લીપ થઈ જવાથી થયેલ વાહન અકસ્માતમાં ઈજા થતા ઉર્મિલાબેનને સારવાર માટે લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે. જયારે માળિયાની ભીમસર ચોકડી પાસે ગઈકાલે બપોરના એકાદ વાગ્યે સર્જાયેલા વાહન અકસ્માતમાં આશરે 60 વર્ષના અજાણ્યા આધેડ પુરુષને ઈજાઓ પહોંચેલ હોય તેને 108 ની મદદથી સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવેલ હોય પોલીસે ઉપરોકત બંને બનાવોની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
રીક્ષા પલ્ટી જતા ઇજા
મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં રહેતા અશોકભાઇ નારણભાઈ જારીયા બોરીચા (ઉંમર 50) નામના વ્યક્તિ રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રાજપર ગામ નજીક રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જેથી કરીને સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલા અશોકભાઈ નારણભાઈ બોરીચાને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ મથકના કે.એ.ચૌહાણે આગળની તપાસ શરૂ કરી છે.


Loading...
Advertisement