કોઇ મત માંગવા આવતા નહી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં બેનરો ફરકયા

29 October 2020 03:07 PM
Morbi
  • કોઇ મત માંગવા આવતા નહી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં બેનરો ફરકયા

ગટર સહિતની સુવિધા ન મળતા લોકો વિફર્યા

મોરબી તા.29
મોરબીના મહેન્દ્રપરામાં ગટરના પાણી શેરી અને ગલ્લીઓમાં ભરેલા હોય છે જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી અને તે માટે અનેક વખત પાલિકા કચેરીમાં રજુઆતો કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા ગટરની ગંદકીને હજુ સુધી દુર કરવામાં આવી નથી અને મોરબીનો વર્ષો જુનો વિસ્તાર મહેન્દ્રપરા છે છતાં આજે દયનીય હાલતમાં છે માટે આ વિસ્તારના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાથી પેટા ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે.
શહેરના બોરિયા પાટી અને કાલિકા પ્લોટમાં અસુવિધાના લીધે અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે બેનરો લગાવીને લોકોએ વિરોધ નોંધાવી દીધો છે ત્યારે હવે શહેરના વોર્ડ નંબર 6 માં આવતા મહેન્દ્રપરાના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે બેનરો લગાવી દીધા છે આ વિસ્તારના લોકોનના કહેવા પ્રમાણે અહી ગટરના પાણી લોકોના ઘર અને દુકાનમાં ઘુસી જતા હોવાથી સ્થાનિક લોકો દ્વારા એક નહી પરંતુ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પાલિકા દ્વારા લોકોની સમસ્યાને ઉકેલવામાં આવતી નથી જેથી લોકોને ગંદકીની વચ્ચે જ રહેવું પડે છે અને આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતા નિંભરતાની હદ વટોળી ગયેલા પાલીકા તંત્ર દ્વારા લોકોની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી માટે લોકોમાં ભારે આક્રોશ છે. ગટરની ગંદકી દૂર કરવામાં આવતી નથી હોવાથી અને સુવિધાઓ આપવામાં આવી રહી નથી તેના કારણે રોષે ભરાયેલા લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે બેનરો વિસ્તારમાં લગાવી દીધા છે અને કોઈએ પણ મત માંગવા માટે આવવું નહીં તેવું બેનરમાં લખવામાં આવ્યું છે.


Loading...
Advertisement