બાબરામાં સેવાભાવી યુવક ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ચોટીલામાં પ્રાંત અધિકારીને રજુઆત કરવામાં આવી

29 October 2020 03:06 PM
Amreli
  • બાબરામાં સેવાભાવી યુવક ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો  હોવાના આક્ષેપ સાથે ચોટીલામાં પ્રાંત અધિકારીને રજુઆત કરવામાં આવી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. ર9
અમરેલી જિલ્લાના બાબરાના જીવ દયા પરિવારના પાયાના પથ્થર સમા ગૌરક્ષક અને વિવિધ સેવાભાવી સંગઠનો સાથે જોડાયેલા ગજેન્દ્રભાઈ શેખવા અને તેમની સાથે રહેલા દરેક સમાજના સામાજિક 10 જેટલા કાર્યકરો ઉપર પોલીસ દ્વારા થયેલા અત્યાચાર બાબતે શ્રી કાઠી ક્ષત્રિય સમાજ ચોટીલા તાલુકા દ્વારા ચોટીલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી. બાબરાના ગજેન્દ્રભાઈ શેખવા તેમજ તેમની સાથે રહેલા દરેક સમાજના સામાજિક કાર્યકરો દ્વારા બાબરા રોડ ઉપર થતા અકસ્માતોમાં અનેક લોકોના જીવ ગયા છે તે બાબતે પીડિત પરિવાર સાથે સ્પીડ બ્રેકર બનાવવા બાબતે રજૂઆત કરવા ગયેલા હતા.


ત્યારબાદ તમામ લોકોને ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી અને અમરેલીના એસપી દ્વારા તમામ યુવાનો ને શારીરિક અને માનસિક ત્રાસ આપી અને નિર્દોષ યુવાનો ઉપર પોલીસ દ્વારા ખોટી જોહુકમી કરવામાં આવી ખરેખર નિર્દોષ સામાજિક કાર્યકરો ઉપર ગેરબંધારણીય રીતે ધરપકડ કરવામાં આવે અને માર મારવામાં આવે તો ખરેખર લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે આમાં આમ જનતાની તો વાત જ ન રહી.


ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગઇ છે અને પ્રજાના રક્ષકો જ્યારે ભક્ષક બને ત્યારે લોકોને ફરિયાદ કરવાનું ક્યાય ઠેકાણું નથી રહેતું, અને આ બધું રાજકીય ઈશારે થતું હોય તેવું દેખાઈ રહ્યું છે અથવા ચોક્કસ સમાજના વ્યક્તિને ટાર્ગેટ બનાવવા તેવી પોલીસ અધિકારીઓની મેલી મુરાદ હોય તેવું લાગે છે, આ ઘટનાને ચોટીલા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે, અને બાબરાના ગજેન્દ્રભાઈ શેખવા તેમજ તમામ સામાજિક કાર્યકરો ને ન્યાય મળે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર અધિકારીઓને કડકમાં કડક સજા થાય તેવી સરકાર સમક્ષ રજૂઆત કરે છે.


Loading...
Advertisement