બોટાદ: પચાસ વીઘા જેટલી ખેતીની જમીનના કાયદેસર વેચાણ-દસ્તાવેજને પડકારતી અપીલ રદ કરતી ડિસ્ટ્રીકટ કોર્ટ

29 October 2020 02:13 PM
Botad
  • બોટાદ: પચાસ વીઘા જેટલી ખેતીની જમીનના કાયદેસર  વેચાણ-દસ્તાવેજને પડકારતી અપીલ રદ કરતી ડિસ્ટ્રીકટ કોર્ટ

બોટાદ, તા.29
જમીનોના ભાવ આસમાને પહોંચતા અનેક નીતનવા કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે એવો જ એક કિસ્સો બોટાદ જિલ્લામાં બનવા પામેલ છે. જિલ્લાના અમલપુર ગામમાં આશરે 50 વિઘા જેટલી સોનાની લગડી જેવી ખેતીની જમીન, અપીલકર્તા-અરજદાર પક્ષના પૂર્વ જપાસેથી, સામાવાળાના વડવા ભગવાનભાઇ દલુભાઇ પ્રજાપતિએ 1968ની સાલમાં કાયદેસર રીતે વેચાણ દસ્તાવેજ કરીને ખરીદ કરી હતી. આશરે 44 વર્ષ પછી સને 2012માં પાવર ઓફ એટર્ની હોલ્ડર મારફતે સીવીલ કોર્ટ, નાયબ કલેકટર, ગુજરાત હાઇકોર્ટ વગેરે કોર્ટસ સમક્ષ વિભિન્ન કેસો દાખલ કરવામાં આવેલ હતા.


સીનીયર પ્રિન્સીપાલ સીવીલ જજની કોર્ટ, મિરઝાપુર-અમદાવાદ ખાતે આ આશરે 50 વિઘા જમીનનો આજથી 52 વર્ષ પહેલાનો કાયદેસર રીતે થયેલ વેચાણ-દસ્તાવેજ રદ કરવા માટે દાવો-કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે ચાલવાપાત્ર ન થતાં, પાવર હોલ્ડર ગુજરાત રાજ્યની વડી અદાલત એવી ગુજરાત હાઇકોર્ટ સુધી કાનુની જંગ લડયા હતા, ત્યારબાદ આ દાવા-કેસની હકુમત મિરઝાપુર-અમદાવાદ ખાતેથી નામદાર પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ બોટાદ ખાતે ટ્રાન્સફર થતાં અને ગુજરાત હાઇકોર્ટના ડાયરેકશન મુજબ ડિસ્ટ્રીકટ કોર્ટ-બોટાદ ખાતે સદરહુ અપીલ કેસની કાર્યવાહી ચલાવવામાં આવી હતી. આ અપીલ કેસમાં આશરે 50 વિઘા જમીન ખરીદનાર મર્હુમ ભગવાનભાઇ દલુભાઇ પ્રજાપતિના કાયદેસરના વારસદારો એવા કુલ 13 પ્રતિવાદી અર્થાત સામાવાળા પક્ષના પરિવારજનોએ ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદના એડવોકેટ ડો. ડી.બી. દેસાઇને પોતાના જીવાદોરી સમાન આ જમીન કેસમાં મેદાને ઉતારેલ હતા.

નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટ બોટાદ સમક્ષ એડવોકેટ ડો. ડી.બી. દેસાઇએ કેસની કાયદાકીય છણાવટ કરીને તમામ પુરાવાઓ સાથે રજૂઆત-સહ-દલીલ કરી હતી કે 1968નો વેચાણ-દસ્તાવેજ સને 2012માં અર્થાત આશરે 44 વર્ષ પછી પડકારવો, એ કાયદાની જોગવાઇઓ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે. વળી તેમને જમીન વેચનાર હયાત હતા ત્યાં સુધી આ વેચાણ-દસ્તાવેજ ખોટો છે, એ માટે તેઓએ કોઇ જ કાર્યવાહી કરી નથી. હાલના અપીલકર્તાએ અનેકવિધ અસત્યોનો આશરો લઇ, માત્ર પોતાનો સ્વાર્થ સાધવા અને અમોના અસીલને હેરાન-પરેશાન કરી માત્ર ખર્ચના ખાડામાં ઉતારી દેવા સદર દાવા-કેસ કરેલ છે.

વળી અપીલકર્તા કોઇ કાયદાકીય લોકસ પણ ધરાવતા નથી...વિ. આ માટે એડવોકેટ ડો. ડી.બી. દેસાઇએ પોતાની રજૂઆતના સમર્થનમાં, નામદાર સુપ્રિમ કોર્ટ, નામદાર ગુજરાત હાઇકોર્ટ અને વિભિન્ન રાજ્યોની હાઇકોર્ટસના કુલ 12 જજમેન્ટ્સનો આધાર લઇને ભારપૂર્વક દલીલ કરી હતી. અંતે જમીન વેચનાર અને ખરીદનાર એમ બંને પક્ષકારોની વિગતવાર રજૂઆતો ધ્યાને લેતા નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટ બોટાદ મારફતે જમીન ખરીદનાર પક્ષના એડવોકેટ ડો. ડી.બી. દેસાઇની રજૂઆતો અને દલીલોમાં વજુદ જણાતા, આશરે પચાસ વિઘા ખેતીની જમીનના કાયદેસર વેચાણ-દસ્તાવેજને રદ કરવા અંગેની અરજદાર-વાદીની અપીલ રદ કરવા કોર્ટે હુકમ ફરમાવેલ છે. સદર ચુકાદાથી બોટાદ જિલ્લાના અલમપુર ગામના જમીન ખરીદનાર પક્ષના તમામ પરિવારજનોમાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરી ગયેલ છે.


Loading...
Advertisement