કોરોનાનો મહા વિસ્ફોટ: વિશ્વમાં એક જ દિવસમાં 5.04 લાખ કેસ

29 October 2020 12:37 PM
World Top News
  • કોરોનાનો મહા વિસ્ફોટ: વિશ્વમાં એક જ દિવસમાં 5.04 લાખ કેસ

એક જ સપ્તાહમાં 20 લાખથી વધુ કેસ: અમેરિકામાં પાંચ લાખ, યુરોપમાં 13 લાખ:મહામારીના નવા કાતિલ મોજાથી ફરી ગભરાટ: એક જ દિવસમાં મૃત્યુઆંક પણ વધીને 7104 થયો: અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ, ઇટલી સહિતના દેશોમાં વકરતી હાલત

નવી દિલ્હી, તા.29
વિશ્વના અનેક દેશોમાં કોરોનાનું નવું મોજુ સર્જાવા સાથે નવા કેસોમાં મહા વિસ્ફોટ થયો હોય તેમ પ્રથમ વખત દુનિયામાં એક જ દિવસના કેસનો આંકડો પાંચ લાખથી વધી ગયો છે. અમેરિકા તથા યુરોપીયન દેશોમાં હાલત ખરાબ બનતા દુનિયાભરમાં નવેસરથી ગભરાટનો માહોલ ઉભો થયો છે.


વર્લ્ડોમીટર વેબસાઇટના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે વિશ્વમાં આજે એક જ દિવસમાં કોરોનાના 5.04 લાખ કેસ નોંધાયા હતા. મોતના આંકડામાં પણ ચિંતાજનક વધારો થયો હોય તેમ એક જ દિવસમાં 7104 મોત હતા. આ સાથે દુનિયાભરમાં કોરોના કેસની સંખ્યા 4.47 કરોડે પહોંચી ગઇ છે જ્યારે મૃત્યુઆંક 11.79 લાખ થયો છે, અત્યાર સુધીમાં 3.27 કરોડ લોકો સાજા થઇ ગયા છે.


કોરોનાની નવી લહેર મુખ્યત્વે અમેરિકા, યુરોપ તથા લેટીન અમેરિકી દેશોમાં છે ત્યાં હાલત ફરીથી ખરાબ થવા લાગી છે અને લોકડાઉન સહિતના પગલા લેવાનું શરૂ કરાયું છે. અમેરિકામાં હાલત વધુ ખરાબ થવા લાગી છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ 81581 કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં સાડા પાંચ લાખ નોંધાતા ટ્રમ્પ તંત્ર પણ ડઘાઇ ગયું છે. પ્રમુખપદની ચૂંટણીને માંડ પાંચ દિવસ બાકી છે ત્યારે કોરોના વિસ્ફોટની અસરના ભણકારા છે. અમેરિકાના ઇલિનોઇસમાં 31000 કેસ સામે આવ્યા છે. પેનસિલ્વેનિયા તથા વિસ્કોનસીનમાં પણ હાલત ખરાબ થઇ છે.


અમેરિકા સિવાય બ્રાઝીલમાં એક વિદમસાં 28852, રશિયામાં 16202, ફ્રાંસમાં 36437, સ્પેનમાં 19765, આર્જેન્ટીનામાં 13924, ઇટલીમાં 24991, જર્મનીમાં 16202, બેલ્જીયમમાં 13571 તથા પોલેન્ડમાં 18820 કેસ નોંધાયા છે. વિશ્ર્વના અન્ય કેટલાક રાષ્ટ્રોમાં પણ નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો થતા ગભરાટ વધ્યો છે અને નવા નિયંત્રણો લાદવાની તૈયારી શરૂ થઇ છે. વિવિધ રાષ્ટ્રોમાં નવેસરથી આરોગ્ય એકશન પ્લાન ઘડવાની તૈયારી શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement