મેદાન ઉપર ‘આથડી’ પડ્યા હાર્દિક-મોરિસ: મેચ રેફરીએ લગાવી ફટકાર

29 October 2020 10:46 AM
Sports
  • મેદાન ઉપર ‘આથડી’ પડ્યા હાર્દિક-મોરિસ: મેચ રેફરીએ લગાવી ફટકાર

બન્ને સામે કોડ ઓફ કંડક્ટ હેઠળ થશે કાર્યવાહી

અબુધાબી, તા.29
મુંબઈ ઈન્ડિયન્સે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટે હરાવી દીધી હતી. આ જીત સાથે જ મુંબઈની ટીમે પ્લેઓફમાં પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. મેચની અંતિમ ક્ષણોમાં મુંબઈના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેંગ્લોરના ખેલાડી ક્રિસ મોરિસ વચ્ચે જોરદાર જામી પડી હતી. જો કે મેચ બાદ રેફરી મનુ નાયરે આ બન્ને ખેલાડીઓને ફટકાર લગાવી છે અને બન્ને સામે કોડ ઓફ કંડક્ટ તોડવાનો આરોપ લાગ્યો છે.
ક્રિસ મોરિસ અને હાર્દિક વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. મેચની 15મી ઓવરમાં મોરિસે પોતાની સ્લોઅર અને યોર્કર લેન્થ બોલિંગથી પંડ્યાને ખાસ્સો પરેશાન કર્યો હતો પરંતુ ચોથા બોલે પંડ્યાએ છગ્ગો લગાવ્યો હતો. 17મી ઓવરમાં ફરી એક વખત બન્ને એકબીજાની સામે હતા. આ ઓવરમાં બાજી મોરિસે મારી હતી. તેણે પહેલાં પાંચ બોલમાં એક પણ ચોગ્ગો લાગવા દીધો નહોતો. ત્યારબાદ 19મી ઓવરમાં પંડ્યાએ ચોથા બોલે છગ્ગો લગાવ્યો પરંતુ આગલા જ બોલે મોરિસે પંડ્યાને સિરાજના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ પછી હાર્દિક પેવેલિયન પરત ફરતો હતો તે દરમિયાન મોરિસ સાથે બાખડ્યો હતો અને પછી બન્ને વચ્ચે તું તું મેં મેં શરૂ થઈ જવા પામી હતી.
મેચ બાદ રેફરીએ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરતાં બન્ને ખેલાડીઓને ફટકાર લગાવી છે. ક્રિસ મોરિસને આઈપીએલના કોડ ઓફ કંડક્ટ 2.5ને તોડવાનો દોષિત ઠેરવવામાં આવ્યો છે તો હાર્દિકને કોડ ઓફ કંડક્ટ 2.20 હેઠળ દોષિત જાહેર કરાયો છે.


Related News

Loading...
Advertisement