બેંગ્લોરને પાંચ વિકેટે હરાવી મુંબઈ પ્લે ઓફમાં: હવે કોઈ ચમત્કાર જ તેને અટકાવી શકશે

29 October 2020 10:45 AM
Sports
  • બેંગ્લોરને પાંચ વિકેટે હરાવી મુંબઈ પ્લે ઓફમાં: હવે કોઈ ચમત્કાર જ તેને અટકાવી શકશે

બુમરાહની વેધક બોલિંગ, સૂર્યકુમારની ધાકડ બેટિંગની મદદથી બેંગ્લોર તહેસ-નહેસ: બેંગ્લોરે સારી શરૂઆત બાદ મીડલઓર્ડર ધ્વસ્ત થઈ ગયો :જો મુંબઈ તેના બાકીના બન્ને મેચ 200 રનના અંતરથી હારી જાય અને કોલકત્તા બન્ને મેચ 185 રનથી જીતી જાય તો મુંબઈનો માર્ગ બનશે કપરો

અબુધાબી, તા.29
આઈપીએલ-13ના 48મા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે બેંગ્લોર સામે બાજી મારી લીધી હતી. અબુધાબુમાં મુંબઈએ બેંગ્લોરને પાંચ વિકેટે હરાવી પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. જો હવે કોઈ ચમત્કાર થાય તો જ મુંબઈ પ્લેઓફમાંથી બહાર નીકળી શકે તેમ છે. મુંબઈએ 19.1 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 165 રનના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો. મુંબઈની જીતનો હિરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો જેણે અણનમ 79 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ પહેલાં મુંબઈએ બેંગ્લોરને જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ (4-1-14-3)ની મદદથી 164 રને જ અટકાવી દીધી હતી.
આ સાથે જ મુંબઈએ પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. હવે કોઈ ચમત્કાર જ મુંબઈને પ્લેઓફમાં રમતું અટકાવી શકે છે. જો મુંબઈ પોતાના આગલા બન્ને મેચ મોટા અંતરથી (લગભગ 200 રન) હારી જાય અને કોલકત્તા નાઈટ રાઈડર્સ મોટા અતંરથી (લગભગ 185 રન) જીતી જાય ત્યારે જ કેકેઆરની નેટ રનરેટ મુંબઈને પાર કરી શકે તેમ છે. અત્યારે કોલકત્તાની નેટ રનરેટ -0.479 છે જે અત્યંત ખરાબ છે.
મુંબઈની આ 8મી જીત રહી હતી. જીત બાદ મુંબઈ 12 મેચમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે બેંગ્લોર આટલા જ મેચમાં 14 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સના 12 મેચોમાં 14 પોઈન્ટ છે પરંતુ તે નેટ રનરેટના આધારે ત્રીજા ક્રમે છે. કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકત્તા નાઈટ રાઈડર્સના અત્યારે 12-12 પોઈન્ટ છે. બેંગ્લોરની આ પાંચમી હાર થઈ છે અને જો તેણે પ્લેઓફમાં પહોંચવું હશે તો હજુ એક મેચ જીતવો જ પડશે.
મુંબઈ સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતાં બેંગ્લોરે દેવદત્ત પડ્ડીકલના 45 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 74 રન, જોશ ફિલિપના 33 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા. જો કે આ બન્નેની વિકેટ ગયા બાદ વિરાટ કોહલી 9 રન, એબી ડિવિલિયર્સ 15 રન, શિવમ દૂબે 3 રન અને ક્રિસ મોરિસ 4 રને આઉટ થઈ જતાં બેંગ્લોરની હાલત કફોડી થઈ જવા પામી હતી. ત્યારબાદ ગુરકિરતસિંઘ માન અને વોશિંગ્ટન સુંદરે પાંચ ઓવરમાં 35 રન બનાવી બેંગ્લોરના સ્કોરને 164 રન સુધી પહોંચાડ્યો હતો.
બેંગ્લોરે આપેલા 165 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈને પહેલો ઝટકો 37 રનના સ્કોર ઉપર લાગ્યો હતો જ્યારે ક્વિન્ટન ડીકોક 18 રન બનાવીને મોહમ્મદ સીરાજનો શિકાર બન્યો હતો. આ પછી 52 રનના સ્કોર ઉપર ઈશાન કિશન પણ 25 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ 72 રનના સ્કોર પર સૌરભ તીવારીના રૂપમાં ત્રીજી વિકેટ પડી હતી અને 107 રનના સ્કોર ઉપર કૃણાલ પંડ્યા 10 રન બનાવી આઉટ થયો હતો. આ પછી હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે ધુંઆધાર બેટિંગ શરૂ કરી હતી પરંતુ હાર્દિક પંડ્યા 17 રને આઉટ થઈ ગયો હતો. જો કે તે આઉટ થતાં પહેલાં ટીમનું કામ કરી ગયો હતો. આ પછી પોલાર્ડે પ્રથમ બોલે જ ચોગ્ગો ફટકારી દેતાં મુંબઈને જીત માટે 6 બોલમાં 3 રનની જ જરૂર રહી હતી જે સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકારીને પૂર્ણ કરી હતી.


Related News

Loading...
Advertisement