રાજ્ય સરકારે વીજ ગ્રાહકોને આપી રાહત : ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો

28 October 2020 10:04 PM
Gujarat
  • રાજ્ય સરકારે વીજ ગ્રાહકોને આપી રાહત : ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો

ત્રણ મહિનાના અંદાજે રૂપિયા ૩૫૬ કરોડની રાહત ગ્રાહકોને થશે : ઉર્જામંત્રી સૌરભ પટેલ

રાજકોટઃ
રાજ્યની રૂપાણી સરકારે વીજ ગ્રાહકોને રાહત આપી છે. સરકારે ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો કર્યો છે. ત્રણ મહિનાના અંદાજે રૂપિયા ૩૫૬ કરોડની રાહત ગ્રાહકોને થશે તેમ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે વિગતો આપી હતી.

ઊર્જામંત્રી સૌરભભાઈએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે ૧.૪૦ કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા ૩૫૬ કરોડની રાહતોના લાભ મળશે.

◆ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા ૧.૮૧ ના દરે વસૂલવામાં આવશે


ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ સરચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ.૨ રૂપિયા લેખે વસૂલતી હતી. તેની સામે ઓકટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા ૧.૮૧ ના દરે વસૂલવાનો થાય છે, જેથી ગત ત્રિમાસિક ગાળા કરતા આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં ૧૯ પૈસાનો ઘટાડો થયો છે.

◆ સસ્તા દરે ગેસ મળતા સરચાર્જમાં ઘટાડો થયો

મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે સરચાર્જમાં ઘટાડો કરાયો છે. મંત્રી પટેલે ઉમેર્યું કે આ ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એટલે કે અંદાજે ૧.૪૦ કરોડથી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતા તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે તેમ તેમણે ઉમેર્યું છે.


Related News

Loading...
Advertisement