મોરબીમાં મહિલા ઉપર એસીડ એટેક કરનારા તેના પૂર્વ પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

28 October 2020 08:55 PM
Morbi Crime
  • મોરબીમાં મહિલા ઉપર એસીડ એટેક કરનારા તેના પૂર્વ પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

૨૦૧૮ માં ઘટના બની હતી : રૂા.૭.૫૦ લાખ ભોગ બનનાર મહિલાને ચુકવવા આદેશ

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા)
મોરબી, તા.૨૮
મોરબીના વાઘપરા વિસ્તારમાં વર્ષ ૨૦૧૮ માં સાંજના સમયે એક મહિલા તેના ઘર પાસેથી પસાર થતી હતી ત્યારે તે મહિલાના પૂર્વ પતિએ મહિલા ઉપર એસિડ ફેંકી હુમલો કર્યો હતો, જેથી ચહેરાના ભાગે ગંભીર રીતે દાઝી ગઇ હતી. જે કેસ મોરબીની ડિસ્ટ્રકટ કોર્ટમાં ચાલી જતા જજે આરોપીને આજીવન કેદની સજા ફટકારીને રૂા.૭.૫૦ લાખ ભોગ બનેલી મહિલાને ચુકવવા આદેશ કર્યો છે.

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં શેરી નં. ૯ માં રહેતા બીનિતાબેન વિશાલભાઈ આડેસરા (ઉ.વ. ૨૩) તેના ઘર પાસેથી વર્ષ ૨૦૧૮ માં પસાર થઇ રહ્યા હતા ત્યારે શેરીના નાકા પાસે બાઇક પર આવેલો એક શખ્સ તેના ચહેરા ઉપર એસીડ ફેંકીને નાસી ગયો હતો. જેથી ચહેરા તેમજ છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેની ફરીયાદ એ. ડીવિઝન પોલીસ મથકમાં નોંધાઇ હતી આ ગુનામાં પોલીસ દ્વારા કલ્પેશ મનસુખભાઇ ગઢીયા નામના બિનીતાબેનના પૂર્વ પતિની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટના જજ એ.ડી.ઓઝા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ વિજયભાઇ જોષીની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી કલ્પેશ મનસુખભાઇ ગઢીયાને આજીવન કેદની સજા અને ભોગ બનનાર મહિલાને સાડા સાત લાખ રૂપિયા ચુકવવા માટે આદેશ કર્યો છે.


Related News

Loading...
Advertisement