જેતપુરમાં ગેરકાયદે ખડકાતા બાંધકામો સામે પગલા લેવામાં પાલિકા નિષ્ક્રિય

28 October 2020 02:33 PM
Dhoraji
  • જેતપુરમાં ગેરકાયદે ખડકાતા બાંધકામો સામે પગલા લેવામાં પાલિકા નિષ્ક્રિય

ટ્રાફીકનો પ્રશ્ન સર્જાય ત્યારે માત્ર નાના ધંધાર્થીને ટાર્ગેટ કરાય છે : નગરસેવક દ્વારા ચીફ ઓફીસરને રજૂઆત

જેતપુર,તા. 28
(દિલીપ તનવાણી)
જેતપુર શહેરમાં જ્યારે જ્યારે ટ્રાફીકનો પ્રશ્ર્ન સર્જાય ત્યારે ત્યારે માત્રને માત્ર નાના ધંધાર્થી લારી ગલ્લાવાળાને ટાર્ગેટ કરવામાં આવે છે. મંજુરી વગર કે પ્લાનથી અલગ બાંધકામ કરનારા મોટામાથા સામે શા માટે કોઇ કાર્યવાહી થતી નથી.શહેરમાં શાકભાજી ફ્રૂટની લારીઓ ચલાવતા ગરીબો સામે વારંવાર પગલા લેવાતા હોય આ અંગે નગરસેવક મહમદભાઈ સાંધે ચિફ ઓફીસરને લેખીત રજૂઆત કરતા જણાવેલ કે હાલ વિશ્ર્વવ્યાપી કોરોનાની મહામારી ચાલી રહી છે. શહેરમાં વારંવાર ટ્રાફીકનો પ્રશ્ર્ન ઉપસ્થિત કરી પોલીસને રજૂઆત કરાતા લારીગલ્લા ચલાવી પોતાનું પેટીયુ ભરતા લોકોને હટાવવામાં આવે છે જેથી આવા લોકોની રોજીરોટી છીનવાઈ જાય છે.


જો ખરેખર ટ્રાફીક અંગેની કાર્યવાહી કરવી જ હોય તો એમ.જી. રોડ મતવા શેરી, કણકીયા પ્લોટમાં દુકાનદારો પોતાની દુકાનની બહાર જગ્યા રોકી સામાન ગોઠવે છે. તેના વિરુધ્ધ તેમજ રાજકીય વગ ધરાવતા બિલ્ડરોના શહેરમાં અનેક જગ્યાએ બિનઅધિકૃત બાંધકામો ચાલે છે. તેના વિરુધ્ધ કાર્યવાહી કરી બાંધકામ અટકાવવામાં આવે કેમ કે આ બિલ્ડરો પાલિકામાં પ્લાન મંજુર કરાવવા સમયે જે પ્લાન પાસ કરાવે છે તેમાં નીચે પાર્કિંગની સગવડ હોય છે. પરંતુ બાંધકામ કઇક અલગ રીતે જ થાય છે. વધુમાં જણાવેલ કે જૂનાગઢ રોડ પર જે બહુમાળી બાંધકામ ચાલે છે તેમાં પણ ભવિષ્યમાં નીચે પાર્કીંગને બદલે દુકાનો બનાવી નાખવામાં આવસે જેથી ટ્રાફીકની સમસ્યા ત્યાં પણ સર્જાશે.


હાલ જૂનાગઢ હાઈવે પર અનેક કોમર્શિયલ કોમ્પલેક્ષો ખડકાઈ ગયા છે પરંતુ પાર્કિંગની સુવિધા રાખી ન હોય હાઈવે પર જ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે. જેથી મોટા વાહનો પસાર થતા ટ્રાફીકની સમસ્યા થાય છે. આવા બિલ્ડરો વિરુધ્ધ કાર્યવાહી થવી જોઇએ.


દિવાળીના તહેવાર ટાણે ગરીબ માણસો પોતાનું પેટીયુ રળવા રેકડી રાખી ધંધો કે તો તેઓને હેરાન કરવામાં ન આવે અને ગરીબ લોકોની રોજીરોટીનો પ્રશ્ર્ન ધ્યાને રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે.


Loading...
Advertisement