કરજણમાં નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર ભાજપનો સભ્ય હોવાનો ધડાકો

28 October 2020 12:40 PM
Vadodara Crime Gujarat Top News
  • કરજણમાં નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર ભાજપનો સભ્ય હોવાનો ધડાકો
  • કરજણમાં નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર ભાજપનો સભ્ય હોવાનો ધડાકો

રશ્મિન પટેલ 2010 થી 2013 સુધી શિનોર તાલુકા પંચાયતનો કારોબારી સભ્ય હતો, તેમના પત્ની પણ સરપંચ રહી ચુકયા છે : વડોદરા એસપી સુધીર દેસાઇએ ‘સાંજ સમાચાર’ સાથે વાત કરતાં કહ્યું કે સભામાં વિક્ષેપ કરવાનો હેતુ હતો, અન્ય કોઇ સંડોવાયેલુ છે કે કેમ? તેની તપાસ ચાલુ છે

રાજકોટ તા.28
વડોદરાના કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પર ચપ્પલનો ઘા થયો હતો. સોમવારે બનેલી આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ગઇકાલે મંગળવારે વડોદરા ગ્રામ્ય પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી હતી. પોલીસે જ માહિતી આપી હતી કે વ્યકિત પકડાયો છે તેણે ચપ્પલનો ઘા કર્યો હતો અને તે કોંગ્રેસ સાથે જોડાયેલો છે. જો કે આ એક નવો જ ધડાકો થયો છે જે મુજબ ઝડપાયેલો રશ્મિન પટેલ ભાજપનો સભ્ય છે અને અગાઉ ભાજપના નિશાન પર શિનોર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયો હતો. વિગતો સામે આવતા જ કોંગ્રેસે ભાજપને ઘેરવા પ્રયાસો શરૂ કરી દીધા છે.
સોમવારે રાત્રે પેટા ચૂંટણીના પ્રચાર માટે કરજણ પહોંચેલા નાયબ મુખ્યમંત્રીએ સભાને સંબોધન કર્યા બાદ મીડિયાને વિગતો આપી રહ્યા હતા ત્યારે જ કોઇ વ્યકિતએ ચપ્પલનો ઘા નીતિન પટેલ પર કર્યો હતો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પરંતુ ચપ્પલ ફેંકનાર કોણ હતું તે ત્યારે જાણવા મળ્યું નહોતું. જેથી પોલીસે તુરંત ચપ્પલ ફેંકનારની શોધખોળ શરૂ કરી દીધી હતી. ભારે મહેનત બાદ વડોદરા ગ્રામ્ય પોલીસે ચપ્પલ ફેંકનાર રશ્મિન પટેલ નામના વ્યકિતની ધરપકડ કરી હતી. પોલીસે મીડિયાને વિગતો આપી હતી કે રશ્મિન કોંગ્રેસ સાથે જોડાયેલો છે. ત્યારબાદ ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે આજે મળતી વિગતો મુજબ રશ્મિન ભાજપનો સભ્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. માહિતી મુજબ રશ્મિન પટેલ વડોદરાની શિનોર તાલુકા પંચાયતની ચૂંટણીમાં અગાઉ ભાજપના નિશાન પર ચૂંટાયો હતો અને તા.15/12/2010થી તા.23/1/2013 સુધી શિનોર તાલુકા પંચાયતના કારોબારી અઘ્યક્ષ તરીકે રહી ચૂકયો હતો. તેમના પત્ની પણ 2011 થી 2013 સુધી શિનોર પંચાયતના સરપંચ તરીકે રહી ચુકયા છે.
જયારે ઘટના બની ત્યારે કોંગ્રેસના નેતાઓને આ પ્રવૃતિને વખોઢી કાઢી નિંદા કરી હતી. જો કે ભાજપે બનાવના પગલે કોંગ્રેસનું કરતુત હોવાનું કહ્યું હતું. જો કે હવે રશ્મિન ભાજપ સાથે જ જોડાયેલો હોવાની વિગતો બહાર આવતા કોંગી નેતાઓ ભાજપને ઘેરવા પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રવકતા નરેન્દ્ર રાવતે માઘ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રશ્મિન ભાજપમાંથી ચૂંટાયેલો સભ્ય હતો. હાલ પણ તે ભાજપમાં સક્રિય કાર્યકર છે. દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયું છે.
ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ વડોદરા એસપી સુધીર દેસાઇએ ‘સાંજ સમાચાર’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પાસે જે ઓડિયો કલીપ સામે આવી છે તેમાં સાંભળવા મળે છે કે ‘અમારા માણસો દ્વારા આ કામ કરાવીશું’ આ ઘટના આયોજન પૂર્વકની હતી કે કેમ? તેની તપાસ ચાલુ છે. આરોપીઓનો મુખ્ય હેતુ સભામાં વિક્ષેપ ઉભો કરવાનો હતો. અન્ય કોઇની સંડોવણી અંગે ઝડપાયેલા આરોપીની પુછપરછ થઇ રહી છે.

બોકસ..
સ્થાનિક નેતાઓનો આંતરીક જુથવાદ?
કરજણમાં કોંગી ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતા ત્યાં પેટાચૂંટણી યોજાઇ છે. આ પહેલા ત્યાનાં પૂર્વ ધારાસભ્ય સતિશ નિશાળીયા અને અક્ષય પટેલ વચ્ચે વિવાદ ચાલતો હતો. જાણકારોનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચે જૂથવાદ સક્રિય હોય શકે છે. ચપ્પલ ફેંકાયુ તે નીતિન પટેલ પર ફેંકાયું કે હાલના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ પર ફેંકાયુ? તે સ્પષ્ટ થયુ નથી તેથી જૂથવાદના કારણે આ ઘટના બની હોવાનો અંદાજ છે.


Related News

Loading...
Advertisement