જસદણ સરકારી હોસ્પિટલમાં કોરોના રાક્ષસના સંહાર માટે ગાયત્રી હવન યોજાયો

28 October 2020 12:04 PM
Jasdan
  • જસદણ સરકારી હોસ્પિટલમાં કોરોના રાક્ષસના સંહાર માટે ગાયત્રી હવન યોજાયો

રાજવી પરિવારના યજમાનપદે યોજાયેલ હવનમાં આગેવાનો જોડાયા

(નરેશ ચોહલીયા) જસદણ, તા. ર8
જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોના નામક રાક્ષસના સંહાર અર્થે રાજવી પરિવારના યજમાન પદે ગાયત્રી યજ્ઞ યોજાયો. ઈતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના ગીતનું ગાન કરી ગાયત્રી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી, સમગ્ર વિશ્વની નિર્દોષ માનવજાતમાં રહેલી દહેશતથી છૂટકારો અપાવવા આ યજ્ઞનું આયોજન કરાયું હતું.
દશેરાના દિવસે ભગવાન શ્રી રામ કોરોના નામક રાક્ષસનો સંહાર કરી સમગ્ર વિશ્વની નિર્દોષ માનવજાતમાં રહેલી દહેશતથી છૂટકારો અપાવે તેમજ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને કોરોનાનો ભોગ બનેલા નિર્દોષ માનવજાતની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે દશેરાના દિવસે જસદણની સરકારી હોસ્પિટલના મુખ્ય પટણાગણમાં જસદણના રાજવી પરિવારના નામદાર દરબાર સાહેબ સત્યજીતકુમાર ખાચરના યજમાન પદે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઈતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના ગીતનું ગાન કરી ગાયત્રી યજ્ઞની શરૂઆત કરતા શુદ્ધ ભાવના સાથે ગાયત્રી પરિવાર ગોંડલના ભરતસિંહજી જાડેજા અને નરસિંહભાઈ વેકરીયા તેમજ જસદણના હેતલબેન રાદડીયા, ચંપાબેન સાપરા, મંજુબેન ઝાંપડીયા દ્વારા શાસ્ત્રોકત વિધી અને મંત્રોચ્ચારથી ગાયત્રી યજ્ઞ સંપન્ન કરવામાં આવતા જસદણ સરકારી હોસ્પિટલમાં ઉપસ્થિત સૌ કોઈને અદભૂત વાતાવરણ પ્રસર્યાનો અહેસાસ થયો હતો. યજમાન પદે બિરાજેલા દરબાર સાહેબે સત્કાર્યના સહભાગી બનવા બદલ ધન્યતા અનુભવી હતી. આ તકે જસદણના નિ:સ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ દરબાર સાહેબને સન્માનીત કરતા જણાવ્યું હતું કે, અમારી સંસ્થાના સેવાયજ્ઞની જયોત કાયમી ધોરણે પ્રજવલિત રહે તે માટેની અમારી પૂરતી તૈયારી છે તેમ જણાવ્યું હતું.
આ ગાયત્રી યજ્ઞમાં જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક સહિતના ઉપસ્થિત રહ્યા હતા
આ ગાયત્રી યજ્ઞમાં જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.આર.એમ.મૈત્રી, આરોગ્ય વિભાગના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલ, ડો.સુનિલભાઈ મકવાણા, ડો.નિલેષભાઈ બાંભણીયા, ડો.રાજેશભાઈ ભુવા, ભગવતીબેન વાછાણી, આસ્તિકભાઈ મહેતા, આલોકભાઈ ડાબસરા, પરશુરામભાઈ કુબાવત તેમજ જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ ભટ્ટ, અનંતભાઈ દવે, સંજયભાઈ મહેતા, ગજેન્દ્રભાઈ રામાણી, અશોકભાઈ મહેતા, ભરતભાઈ જનાણી, ગોપીભાઈ ભલસોડ, હિતેશભાઈ જોષી, મહેન્દ્રભાઈ ખુમાણ, ગૌતમભાઈ પારકર અને દિનેશભાઈ ભેંસજાળીયા સહિતના આગેવાનો આસ્થાભેર ઉપસ્થિત રહ્યા હતા. આ ગાયત્રી યજ્ઞનું સફળ સંચાલન નિ:સ્વાર્થ સેવા સમિતિના હર્ષાબેન ચાવડા, ડિમ્પલબેન સંઘવી અને એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિએ કર્યું હતું. જ્યારે આભાર વિધી હર્ષદભાઈ ઉપાધ્યાયે કરી હતી. આ યજ્ઞ કાર્યક્રમને યાદગાર સંભારણુ બનાવવા માટે વલ્લભભાઈ જીંજુવાડીયા, હસમુખભાઈ મકવાણા, રમેશભાઈ જેસાણી, હરેશભાઈ શેઠ, વિજયભાઈ ચૌહાણ, ગીતાબેન મકવાણા, હિમાંશીબેન ઝાંપડીયા અને એકતાબેન વઘાસીયાએ જહેમત ઉઠાવી હતી.
આ ગાયત્રી યજ્ઞમાં વહીવટી તંત્રની સુચના અનુસાર તમામ પ્રકારના નિયમોનું પાલન કરતા દર્દીઓ તેમજ આમંત્રિત મહેમાનો માટે ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી.


Loading...
Advertisement